________________
36
જૈન ધર્મઃ સાર સંદેશ
આ તથ્યને ખૂબ જ સ્પષ્ટતા સાથે વ્યક્ત કરતાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ વાસ્તવિક દૃષ્ટિએ સંસારના પ્રત્યેક પ્રાણી પરમાત્મસ્વરૂપ છે. પરમાત્મા તેને કહે છે, જે રાગ, દ્વેષ રહિત, સર્વજ્ઞ, પૂર્ણ સુખી, અનંત શક્તિસંપન્ન, જન્મ-મરણથી રહિત, નિર્દોષ અને નિષ્કલંક હોય. એવા પરમાત્મા બનવાની શક્તિ સંપૂર્ણ સંસારી ભવ્ય (મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા રાખનારા) આત્માઓમાં વિદ્યમાન છે, અને તે જ આત્માનું અસલી સ્વરૂપ છે. ભેદ એ છે કે સંસારી આત્માઓ રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધાદિ વિકારો અને પાપ વાસનાઓમાં ફસાયેલા છે, અને જન્મ-મરણ વગેરેના કષ્ટોને ભોગવી રહ્યા છે; પરંતુ પરમાત્મા
આ બધી ઝંઝટોથી મુક્ત છે. સાંસારિક આત્માઓ વિવિધ પ્રકારના પાપ-પુણ્યાદિ કર્મો કરતા રહે છે, અતઃ તેમના ફળસ્વરૂપે તેમની અવસ્થાઓ પણ વિચિત્ર થતી રહે છે; પરંતુ એ નિશ્ચિત છે કે પ્રત્યેક આત્માનો સ્વભાવ પરમાનંદમય છે. એટલા માટે પ્રત્યેક આત્મા સુખ ચાહે છે અને દુઃખોથી ડરે છે, અને પોતાને સુખી બનાવવા માટે જ તે ભ્રમવશ વિવિધ પ્રકારના સારા-નરસા કાર્યો કરતો રહે છે; પરંતુ સુખ પામવાનો સાચો માર્ગ માલૂમ ન હોવાથી તે વાસ્તવિક સુખ તો પામી જ શકતો નથી; પરંતુ સંસારમાં પણ શાંતિથી જીવી શકતો નથી.
જે આત્મામાં અનંત સુખનો ભંડાર ભરેલો પડ્યો છે, જે સ્વયં પોતાનું જ સ્વરૂપ છે અને જેના અનુભવ દ્વારા જીવ સદાને માટે બધા દુઃખોથી મુકત અને સાચા અર્થમાં પૂર્ણ સુખી બની શકે છે, તેના તરફ તે ધ્યાન આપતો નથી અને તેને પોતાનું લક્ષ્ય બનાવતો નથી. ઊલટું, પોતાનાથી ભિન્ન વસ્તુઓ અને વ્યક્તિઓ કે જેઓ ન પોતાના છે અને ન કદી પોતાના બની જ શકે છે, તેમને પોતાના બનાવવા અને તેમનાથી સુખ પ્રાપ્ત કરવાની વ્યર્થ કોશિશમાં તે જીવન બરબાદ કરી નાખે છે. આ વાતને સારી રીતે સમજીને આપણે પોતાની બહિર્મુખી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવવાની પૂરી કોશિશ કરવી જોઈએ અને આત્મજ્ઞાન કે આત્માનુભવ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં જલદી-જલદી લાગી જવું જોઈએ.