________________
338
જૈન ધર્મ સાર સંદેશ શુભચંદ્રાચાર્ય એ પણ જ્ઞાનાવમાં આ તથ્યોની પુષ્ટિ (સમર્થન) ઘણી જ સ્પષ્ટતાની સાથે કરી છે. પરમાત્માનું સ્વરૂપ તેમના ધ્યાનની મહત્તા અને તેનાથી પ્રાપ્ત પરમાત્માના જ્ઞાનની સર્વશ્રેષ્ઠતા બતાવતાં તેઓ કહે છેઃ
જેના ધ્યાનમાત્રથી જીવોના સંસારમાં જન્મ લેવાથી ઉત્પન્ન (રાગદ્વેષ વગેરે) રોગ નષ્ટ થઈ જાય છે, અન્ય કોઈ પ્રકારથી નષ્ટ થતા નથી, તે જ ત્રિભુવનનાથ અવિનાશી પરમાત્મા છે.
એમાં સંદેહ નથી કે જેને જાણ્યા વિના અન્ય બધા પદાર્થોને જાણવા પણ નિરર્થક છે અને જેનું સ્વરૂપ જાણવાથી સમસ્ત વિશ્વ જાણી શકાય છે, તે જ પરમાત્મા છે.
જે પરમાત્માના જ્ઞાન વિના આ પ્રાણી નિશ્ચિતરૂપથી સંસારરૂપી ગહન વનમાં ભટકતું રહે છે, તથા જે પરમાત્માને જાણવાથી જીવ તત્કાળ ઈન્દ્રથી પણ અધિક મહત્તાને પ્રાપ્ત થઈ જાય છે, તેને જ સાક્ષાત્ પરમાત્મા જાણવા. તે જ સમસ્ત લોકને આનંદ આપનારાં નિવાસસ્થાન છે, તે જ પરમ જ્યોતિ (પરમ પ્રકાશમય જ્ઞાનરૂપ) છે, અને તે જ ત્રાતા (રક્ષક) છે. પરમ પુરુષ છે, અચિજ્યચરિત છે, અર્થાત્ જેનું ચરિત્ર કોઈના ચિંતવનમાં આવતું નથી.
જે પરમાત્માના સ્વરૂપને જાણ્યા વિના આત્મતત્ત્વમાં સ્થિતિ (સ્થિરતા) થતી નથી, અને જેને જાણીને મુનિઓએ તેના જ એશ્વર્યનો સાક્ષાત્ અનુભવ પ્રાપ્ત કર્યો છે, તે જ પરમાત્મા મુક્તિની ઇચ્છા કરનારા મુનિજનો દ્વારા નિયમ-પૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે. એટલા માટે અન્ય બધાનું શરણ છોડીને તેમાં જ પોતાના અતંરાત્માને લગાવીને તેને જાણવો જોઈએ. જે વચન દ્વારા કહી શકાતો નથી, ઈન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી, જે અવ્યકત, અનંત, વચનથી પર, અજન્મા અને આવાગમનથી રહિત છે, તે પરમાત્માનું નિર્વિકલ્પ (અવિચલિત) થઈને ધ્યાન કરવું જોઈએ. જે પરમાત્માના જ્ઞાનના અનંતમા ભાગમાં, દ્રવ્ય પર્યાયોથી ભરેલું આ અલોક સહિત લોક સ્થિત છે, તે જ પરમાત્મા ત્રણ લોકના ગુરુ છે. 4