________________
336
જૈન ધર્મઃ સાર સંદેશ
જે અત્યંત નિવૃત છે, અર્થાત્ બધાથી સર્વથા મુક્ત સુખરૂપ છે અને જે નિર્વિકલ્પ છે, અર્થાત્, જેમાં ભેદ નથી, એવા શુદ્ધાત્માને પરમાત્મા કહેવામાં આવ્યા છે.31
તેઓ ફરી કહે છેઃ
સિદ્ધ (પૂર્ણ) ભગવાન શરીરરહિત, ઇન્દ્રિયરહિત, મનના વિકલ્પોથી રહિત નિરંજન છે( જેમને મેલ લાગતો નથી), તેઓ અનંત વીર્ય (શક્તિ) અને અખંડ આનંદથી યુક્ત આનંદરૂપ છે.
તેઓ પરમેષ્ઠી (પરમપદમાં વિરાજમાન), પરમ પ્રકાશમય, પરિપૂર્ણ અને સનાતન (સદા બનેલા રહેનાર) છે.
પૂર્ણતઃ તૃપ્ત (તૃષ્ણાથી બિલકુલ રહિત) પરમાત્મા ત્રણેય લોકના શિખર પર સદા વિરાજમાન છે. આ સંસારમાં કોઈપણ એવો સુખદાયક પદાર્થ નથી જેના સુખથી પરમાત્માના સુખની ઉપમા આપી શકાય. તેમનું સુખ અનુપમ છે.
પરમાત્માનો મહિમા અને તેમના અનંત જ્ઞાનનો વૈભવ વચનોથી કહેવા યોગ્ય નથી. તેમના ગુણોનો સમૂહ કેવળ સર્વજ્ઞ પુરુષના જ્ઞાન (અનુભવ)નો વિષય છે.32
આદિપુરાણમાં સર્વજ્ઞતા અથવા કેવલજ્ઞાનના આધારે પરમાત્માના અનેક ઉત્તમ ગુણો તથા પરમાત્માથી પ્રગટ થનારો દિવ્યધ્વનિની પ્રશંસા કરતાં તેમની સ્તુતિ આ શબ્દોમાં કરવામાં આવી છેઃ
હે ભગવન્, આ દેદીપ્યમાન કેવલજ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થવાથી એ સ્પષ્ટ પ્રગટ થઈ ગયું છે કે આપ જ ધાતા અર્થાત્ મોક્ષમાર્ગની સૃષ્ટિ (સર્જન) કરનારા છો અને આપ જ ત્રણેય લોકના સ્વામી છો. એના સિવાય આપ જન્મજરારૂપી રોગોનો અંત કરનારા છો, ગુણોના ખજાના છો અને લોકમાં બધાંથી શ્રેષ્ઠ છો. એટલા માટે હે દેવ, આપને અમે લોકો વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે નાથ, આ સંસારમાં આપ જ મિત્ર છો, આપ જ ગુરુ છો, આપ જ સ્વામી છો,