________________
328
જૈન ધર્મઃ સાર સંદેશ
ઇન્દ્રિયરૂપ મૃગોને બાંધવા માટે જ્ઞાન જ એક દઢ પાશ (ફુંદો) છે, કારણ કે જ્ઞાનના વિના ઇન્દ્રિયો વશમાં થતી નથી. તથા ચિત્તરૂપી સર્પનો નિગ્રહ (નિયંત્રણ) કરવા માટે જ્ઞાન જ એક-માત્ર ગારુડ મહામંત્ર છે, કારણ કે જ્ઞાનથી જ મન વશીભૂત થાય છે.
જ્ઞાન જ તો સંસારરૂપી શત્રુને નષ્ટ કરવા માટે તીક્ષ્ણ ખડગ (તલવાર) છે અને જ્ઞાન જ સમસ્ત તત્ત્વોને પ્રકાશિત કરવા માટે ત્રીજું નેત્ર છે.4
પોતાના અંતરમાં જ્ઞાનનો પ્રકાશ થઈ જતા જીવનો સંસાર પ્રતિ દૃષ્ટિકોણ બદલાઈ જાય છે, કારણ કે ત્યારે જીવ સાંસારિક વસ્તુઓની નશ્વરતા અને મિથ્યાત્વને યથાર્થરૂપમાં સમજવા લાગે છે. આ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે જ અન્ય પદાર્થોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. એટલા માટે આત્માને સ્વપરભાસી, અર્થાત્ પોતાને અને સાથે જ પોતાનાથી ભિન્ન પદાર્થોને પ્રકાશિત કરનારો કહેવામાં આવે છે. આ તથ્યને આચાર્ય કુન્ધુસાગરજીએ એક ઉપમાના સહારે આ પ્રમાણે સમજાવ્યું છેઃ
જે પ્રમાણે દીપક અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે અને પોતના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે, સળગતા દીપકને જોવા માટે કોઈ બીજા દીપકને જોવાની આવશ્યકતા હોતી નથી, એ જ સળગતો દીપક પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરી દે છે, એ પ્રમાણે આ જ્ઞાનમય આત્મા પોતાના જ્ઞાનથી અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે અને સ્વાનુભૂતિ દ્વારા પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે.15
અહીં દીપકની ઉપમા કેવળ આત્માના સ્વપરભાસી હોવાનો સંકેત આપવાને માટે આપી છે. વાસ્તવમાં આત્મા અલોકિક છે, જેની ઉપમા સંસારની કોઈપણ વસ્તુથી આપી જ શકાતી નથી. એને કેવળ નિજી અનુભવ દ્વારા જ જાણી શકાય છે. કાનજીસ્વામીએ સ્પષ્ટ રૂપમાં કહ્યું છેઃ
અલૌકિક ચીજ આત્મા છે, તેના સ્વભાવને અન્ય કોઈ બાહ્ય પદાર્થની ઉપમા આપી શકાતી નથી, પોતાના સ્વાભાવથી જ તે જાણી શકાય છે. એવા આત્માને જ્યારે સ્વાનુભવથી જાણે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.