________________
અંતર્મુખી સાધના
મનના સદા બહાર દોડતા રહેવાને કારણે ચિત્તવૃત્તિ સદા ચંચળ બનેલી હોય છે. એને એકાગ્ર કરવા અને આત્મનિષ્ઠ બનાવવા માટે શરૂમાં કોઈ અવલંબન કે આધારની જરૂરત હોય છે. એટલા માટે એને ગુરુના સ્વરૂપનું ધ્યાન અને પંચપરમેષ્ઠીના પાંચ પવિત્ર નામોનું સ્મરણ (સુમિરન અથવા જપ)નો આધાર આપી એને પોતાના અંતરમાં એકાગ્ર કરીને ધ્યાન કરવાનો અભ્યાસ શિખવવામાં આવે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
આત્મ-સ્વરૂપનું ચિંતવન કે ધ્યાન કોઈ આધાર કે આદર્શ વિના સંભવ નથી. તેથી જ (સાધક) પંચપરમેષ્ઠીને આદર્શ માનીને તેમના આધાર દ્વારા આત્મ-સ્વરૂપનું ચિંતવન કરે છે. અરહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચેયને વીતરાગતારૂપ પરમપદમાં અવસ્થિત હોવાને કારણે પંચપરમેષ્ઠી કહે છે. વસ્તુતઃ આ પંચપરમેષ્ઠી શું છે? આત્માની ક્રમથી વિકસિત અવસ્થાઓનાં નામમાત્ર છે. ... આ પ્રમાણે સાધકને આત્મ-ચિંતન માટે પંચપરમેષ્ઠીની ઉપાસના કરવાનું વિશેષ રીતે વિધાન કરવામાં આવ્યું છે.
સમ્યગ્દષ્ટિ જીવ જે પંચપરમેષ્ઠીઓનું સદા સ્મરણ (સુમિરન) કરે છે, તેમના નામનો જપ અને ધ્યાન કરે છે અને જેમના આધાર કે આશ્રયથી આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરવા ચાહે છે, તેમના નામનો નમસ્કારાત્મક મંત્ર અનાદિ મૂળમંત્ર છે.
289
શિષ્ય જે ગુરુને પહેલાં પોતાની બાહ્ય આંખો (ચર્મચક્ષુઓ)થી જુએ છે, તેમને જ તે તેમના દ્વારા બતાવેલા પંચપરમેષ્ઠીઓના નમસ્કારાત્મક મંત્રસ્મરણ (સુમિરન)ના અભ્યાસ દ્વારા આંતરિક આંખ (જ્ઞાનચક્ષુ)થી જોવા માટે સમર્થ થઈ જાય છે.રત્નાકર શતકમાં આ અત્યંત ઉપયોગી મંત્રના સ્મરણ અને ધ્યાનની વિધિને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
જે પ્રમાણે ઝવેરી મોતીની ફક્ત પાંચ માળાઓને જોઈને સંપૂર્ણ મોતીસમૂહની પરીક્ષા કરી લે છે તે જ પ્રમાણે પાંચ મંત્ર સાથે સંબંધ રાખનારા અક્ષર સમૂહને શ્રેષ્ઠ મુનિ લલાટમાં ધ્યાન કરીને પહેલાં ચર્મચક્ષુઓ દ્વારા જોઈને પુનઃ જ્ઞાન-ચક્ષુથી જુએ છે. તે સમયે તેમને પોતાના સ્વરૂપનાં દર્શન થાય છે.