________________
279
અંતર્મુખી સાધના
ધર્મ ધ્યાન કોને કહે છે અને એની શું આવશ્યકતા છે? જે જ્ઞાન આપણને ઇંદ્રિયો દ્વારા પ્રાપ્ત થાય છે શું તેનાથી આપણું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી ? અહીં એ સમજી લેવું આવશ્યક છે કે ઇંદ્રિયો અને મન દ્વારા સાંસારિક પદાર્થોનું જે કંઈ જ્ઞાન આપણને મળે છે તેનાથી આ પદાર્થોની વાસ્તવિકતા કે અસલિયતની જાણકારી થતી નથી. એના સિવાય ઘણા બધા એવા વિષયો પણ છે જે એટલા સૂક્ષ્મ, દૂર અને ગુપ્ત છે કે ઇંદ્રિયો અને મન દ્વારા તેમની જાણકારી સંભવ નથી અને આ બધાની વાસ્તવિકતાની જાણકારી થયા વિના આપણે વિષય-વાસનાઓ અને સાંસારિક મોહથી છૂટી શકતા નથી. એટલા માટે આ પદાર્થોની વાસ્તવિકતાની જાણકારી પ્રાપ્ત કરવી આવશ્યક છે. આ જાણકારી માત્ર સાચા આંતરિક ધ્યાન દ્વારા જ થઈ શકે છે. રાગ-દ્વેષને ત્યાગીને સામ્યતાનો અભ્યાસ કરવા માટે સાધક જે ધ્યાન ધરે છે તે જ સાચું આંતરિક ધ્યાન છે, કારણ કે સામ્યાવસ્થામાં જ પદાર્થોની યથાર્થ જાણકારી પ્રાપ્ત થાય છે. તે જ ધ્યાનને જૈન ધર્મમાં ધર્મ ધ્યાન કહે છે. આદિપુરાણમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
વસ્તુના સ્વભાવ (યર્થાથ સ્વરૂપ)ને ધર્મ કહે છે અને જે ધ્યાનમાં વસ્તુ સ્વભાવનું ચિંતવન કરવામાં આવે છે તેને ધર્મ ધ્યાન કહે છે.34
જ્ઞાનસારમાં ધર્મ ધ્યાનને આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
રાગ-દ્વેષને ત્યાગીને અર્થાત્ સામ્યભાવથી જીવાદિ પદાર્થોનું, તેઓ જેમ-જેમ પોતાના સ્વરૂપમાં સ્થિત છે, તેમ-તેમ ધ્યાન કે ચિંતવન કરવું ધર્મ ધ્યાન છે.ઝ
ધર્મ ધ્યાનના આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય નામના ચાર ભેદ છે.
વિચયનો અર્થ છે વિચાર કરવો. જે વિષયોને સાધારણ રીતે જાણી શકાતા નથી તે વિષયો પર સર્વજ્ઞ સદ્ગુરુ કે જિનેન્દ્ર દેવના ઉપદેશ અથવા આજ્ઞાના આધારે જ વિચાર કરી શકાય છે. સગ્રંથોમાં બતાવવામાં આવેલા અનેક વિષયો પર તેમને સર્વજ્ઞની આજ્ઞાને પ્રકાશિત કરનારા સમજીને તેમનું ચિંતવન કરવું આજ્ઞા વિચય કહેવાય છે. એને સમજાવતાં આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ