________________
278
જૈન ધર્મ સાર સંદેશ માનવાથી અને વિષયોની રક્ષા કરવામાં આનંદ માનવાથી જીવોના રૌદ્ર ધ્યાન પણ નિરંતર ચાર પ્રકારના હોય છે, અર્થાત્ હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ અને સંરક્ષણાનંદ – આ ચારેય ભેદ રૌદ્ર ધ્યાનના છે. આદિપુરાણમાં એની પુષ્ટિ આ શબ્દોમાં કરવામાં આવી છેઃ જે પુરુષ પ્રાણીઓને રડાવે છે તે રુદ્ર, ક્રૂર અથવા બધા જીવોમાં નિર્દય કહેવાય છે. એવા પુરુષનું જે ધ્યાન હોય છે તેને રોદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારના હોય છે. હિંસાનન્દ અર્થાત્ હિંસામાં આનંદ માનવો, મૃષાનંદ અર્થાત્ જૂઠું બોલવામાં આનંદ માનવો, તેયાનંદ (ચોર્યાનંદ) અર્થાત્ ચોરી કરવામાં આનંદ માનવો અને સંરક્ષણાનંદ અર્થાત્ પરિગ્રહ (સંગ્રહ કરવામાં આવેલી ધન-સંપત્તિ)ની રક્ષામાં જ રાત-દિવસ લાગેલા રહીને આનંદ માનવો - આ રૌદ્રધ્યાનના ચાર ભેદ છે.32
સંસારમાં ફેલાયેલા અંધવિશ્વાસના શિકાર થઈને કેટલાક લોકો મુદ્રા, મંડલ, યંત્ર-તંત્ર, મારન, ઉચ્ચાટન આદિ અનેક પ્રકારના ખોટા ધ્યાનના પ્રપંચમાં પડીને સન્માર્ગથી એટલા દૂર ચાલ્યા જાય છે કે તેમને ફરીથી સન્માર્ગ પર લાવવા અત્યંત કઠિન થઈ જાય છે. તેમને આવા પ્રપંચથી બચાવી રાખવા માટે જ જૈન ધર્મમાં અપ્રશસ્ત ધ્યાનનું ભેદો સહિત વર્ણન કરવામાં આવ્યું છે અને તેમને આ બધાથી બચવા અને કર્મ-બંધનને મટાવનારા પ્રશસ્ત ધ્યાનમાં લાગવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. અપ્રશસ્ત ધ્યાનથી થનારી ભારે હાનિને બતાવતાં જ્ઞાનાર્ણવમાં સાધકને એમનાથી બચીને રહેવા માટે આ શબ્દોમાં સાવધાન કરવામાં આવ્યા છે?
ખોટા ધ્યાનના કારણે સન્માર્ગથી વિચલિત થયેલા ચિત્તને ફરીથી સેંકડો વર્ષોમાં પણ કોઈ સન્માર્ગમાં લાવવા માટે સમર્થ થઈ શકતું નથી, આ કારણે ખોટું ધ્યાન કદાપિ કરવું જોઈએ નહીં.
એટલા માટે મોક્ષાર્થીએ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને ત્યાગીને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને જ ગ્રહણ કરવું જોઈએ.