________________
અંતર્મુખી સાધના
સાંસારિક વિષય-સંબંધી આ ખોટું ધ્યાન જ અપ્રશસ્ત ધ્યાન કહેવામાં આવે છે. એને સ્પષ્ટ કરતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
જેણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી તથા જેનો આત્મા રાગદ્વેષ મોહથી પીડિત છે એવા જીવની સ્વાધીન (ઉપદેશ વિના મનમાની) પ્રવૃત્તિને અપ્રશસ્ત ધ્યાન કહેવામાં આવે છે.29
અપ્રશસ્ત ધ્યાનનો પ્રથમ ભેદ આર્ત ધ્યાન છે. આર્તનો અર્થ છે દુઃખી. દુઃખી મનુષ્યો દ્વારા દુઃખની અવસ્થામાં કરવામાં આવેલું ધ્યાન આર્ત ધ્યાન કહેવાય છે. એના ચાર ભેદ છે. પ્રથમ ઇષ્ટ વસ્તુ ન મળતાં તેની પ્રાપ્તિ માટે, બીજું અનિષ્ટ વસ્તુ મળતાં તેને હટાવવા માટે, ત્રીજું રોગ આદિ થતાં તેને દૂર કરવા માટે અને ચોથું બીજાના ભોગ અને ઐશ્વર્યને જોઈને તે ભોગોને ભોગવવા માટે કરવામાં આવે છે. એમને ક્રમશઃ ઇષ્ટવિયોગજ, અનિષ્ટસંયોગજ, પીડા ચિંતવન અને નિદાન પ્રત્યય (નિદાન બંધ) આર્ત ધ્યાન કહે છે.
ગાણસાર(જ્ઞાનસાર)માં એમને આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યાં છેઃ
પોતાની પ્રિય વસ્તુ જે ધન કુટુંબાદિ તેમના વિયોગમાં તેમને મળવા માટે વારંવાર ચિંતવન કરવું ઇષ્ટવિયોગ જ આર્તધ્યાન છે. પોતાને દુ:ખદાયી દરિદ્રતા, શત્રુ આદિના સંયોગમાં વિયોગ માટે ચિંતવન કરવું અનિષ્ટસંયોગજ આર્તધ્યાન છે. પોતાના શરીરમાં રોગ ઇત્યાદિ થતા તેમના દૂર થવા માટે વારંવાર ચિંતવન કરવું પીડા ચિંતવન આર્તધ્યાન છે અને ભાવિ સાંસારિક સુખો માટે ચિંતવન કરવું નિદાન બંધ આર્ત્તધ્યાન છે.30
277
અપ્રશસ્ત ધ્યાનનો બીજો ભેદ (પ્રકાર) રૌદ્ર ધ્યાન છે. રુદ્ર અર્થાત્ ક્રૂર વ્યકિતઓનું ક્રૂર કર્મોના સંબંધમાં વારંવાર ક્રૂર ચિંતવન કરવું રૌદ્ર ધ્યાન કહેવાય છે. એના પણ ચાર ભેદ છે. એમને સમજાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
તત્ત્વદર્શી પુરુષોએ ક્રુર આશય (હૃદય) વાળા પ્રાણીને રુદ્ર કહ્યું છે. તે રુદ્ર પ્રાણીના કાર્ય અથવા તેના ભાવને રૌદ્ર કહે છે. હિંસામાં આનંદ માનવાથી, મૃષા (અસત્ય કહેવા)માં આનંદ માનવાથી, ચોરીમાં આનંદ