________________
268
જૈન ધર્મઃ સાર સંદેશ
આ રાગાદિકને દૂર કરવાનો પ્રયત્ન કરે. જે યોગી મુનિ કે સાધક ઇન્દ્રિયોના વિષયોને દૂર કરીને નિજ સ્વરૂપનું અવલંબન કરે તો પણ રાગાદિક ભાવ મનને વારંવાર છેતરે છે, અર્થાત્ વિકાર ઉત્પન્ન કરે છે. આ રાગાદિક ભાવ મનને ક્યારેક તો મૂઢ કરે છે, ક્યારેક ભ્રમરૂપ કરે છે, ક્યારેક ભયભીત કરે છે, ક્યારેક રોગોથી ચલાયમાન કરે છે, ક્યારેક શંકિત કરે છે, ક્યારેક કલેશરૂપ કરે છે. ઇત્યાદિ પ્રકારે સ્થિરતાથી ડગાવી દે છે.
મોહરૂપી કર્દમ (કીચડ) ક્ષીણ થતાં તથા રાગાદિક પરિણામો પ્રશાંત થતાં યોગીગણ પોતાનામાં જ પરમાત્માના સ્વરૂપનું અવલોકન કરે છે તથા અનુભવ કરે છે. જ્યાં સુધી મનમાં રાગદ્વેષ રહે છે ત્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ ભાસતું નથી, રાગદ્વેષ મોહના નષ્ટ થવાથી જ શુભાશુભ કર્મોને નષ્ટ કરનારા પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. રાગદ્વેષ મોહરૂપી કર્દમ (કીચડ)ના અભાવથી પ્રસન્નચિત્તરૂપી જળમાં મુનિને સમસ્ત વસ્તુઓના સમૂહ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય છે અર્થાત્ પ્રતિભાસે છે.
જે પ્રમાણે કપાયેલી પાંખોવાળું પક્ષી ઊડવામાં અસમર્થ હોય છે તે પ્રમાણે મનરૂપ પક્ષી પણ રાગદ્વેષરૂપ પાંખોના કપાઈ જવાથી વિકલ્પરૂપ ભ્રમણથી રહિત થઈ જાય છે.
આ પ્રાણી મોહના વશથી અન્ય સ્વરૂપ પદાર્થોમાં ક્રોધ કરે છે, દ્વેષ કરે છે, તથા રાગ પણ કરે છે. આ કારણે મોહ જ જગતને જીતનારો છે. આ રાગદ્વેષરૂપ વિષના વનનું બીજ મોહ જ છે એવું ભગવાને કહ્યું છે. આ કારણે આ મોહ જ સમસ્ત દોષોની સેનાનો રાજા છે. જે મુનિ મોહરૂપી પટલ (પડદો)ને દૂર કરે છે તે મુનિ શીઘ્ર જ સમસ્ત લોકને જ્ઞાનરૂપી નેત્રોથી સાક્ષાત્ - પ્રત્યક્ષ (પ્રગટ) જુએ છે.
મનને સ્થિર કર્યા વિના વિષયોથી અનાસક્તિ થતી નથી અને વિષયોના મોહમાં પડીને મન ભક્તિથી દૂર થઈ જાય છે. મનને શાંત અને એકાગ્ર કરવા માટે એકાંતમાં અભ્યાસ કરવો આવશ્યક છે. એને એક સુંદર ઉપમા દ્વારા સમજાવતાં રત્નાકર શતકમાં કહેવામાં આવ્યું છેઃ