________________
267
અંતર્મુખી સાધના
જે મુનિએ પોતાના ચિત્તને વશ કર્યું નથી તેનું તપ, શાસ્ત્રાધ્યયન, વ્રત ધારણ, જ્ઞાન, કાયકલેશ ઈત્યાદિ બધું તુષખંડન (ભૂસું કૂટવાં) સમાન નિઃસાર (વ્યર્થ) છે, કારણ કે મનના વશીભૂત થયા વિના ધ્યાનની સિદ્ધિ થતી નથી. એને રોકવું અતિશય કઠિન છે. જે યોગીશ્વર એને રોકે છે તે ધન્ય છે. આ જગતમાં જે સાધક ચિત્તરૂપી દુર્નિવાર સર્પને જીતે છે તેઓ યોગિઓના સમુહમાં વંદનીય છે.
પવન વેગે થાય પ્રબળ, મન ભમે સર્વ સ્થાન,
એને વશ કરી નિજમાં રમે, તે મુનિ સર્વ શિરમોર. મન અનેક જન્મોથી રાગ, દ્વેષ અને મોહના સંસ્કારોથી જકડાયેલું છે. આ સંસ્કાર એટલા પ્રબળ છે કે જરાક પણ અસાવધાની થતાં એ પ્રયત્નશીલ સાધકોના મનમાં પણ વિકાર ઉત્પન્ન કરી દે છે અને તેમને પોતાના માર્ગથી ભ્રષ્ટ કરી દે છે. એટલા માટે સાધકે સાંસારિક વિષયોના પ્રલોભનથી બચીને રહેવા માટે હંમેશાં પૂરી રીતે સાવધાન રહેવું આવશ્યક છે. રાગાદિ ભાવ મનને અનેક પ્રકારે અશાંત કરે છે. તેઓ ક્યારેક ભ્રમ પેદા કરે છે, કયારેક ડરાવે છે, ક્યારેક રોગમાં ફસાવે છે, ક્યારેક સંદેહ ઉત્પન્ન કરે છે અને ક્યારેક દુઃખમાં ઊલઝાવીને સાધકને પોતાની સાધનાથી વિચલિત કરી દે છે. રાગ, દ્વેષ અને મોહના વિકારોને અત્યંત સાવધાનીપૂર્વક મનમાંથી કાઢી નાખ્યા પછી જ સાધક પોતાના ધ્યાનને એકાગ્ર કરી શકે છે અને ત્યારે જ તે પરમાત્માનાં દર્શન પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. એટલા માટે રાગાદિ વિકારોને દઢતાપૂર્વક દૂર કરીને મનને જીતવાનો અને પોતાની અંદર પરમાત્માસ્વરૂપનાં દર્શન કરવાનો ઉપદેશ આપતાં જ્ઞાનાર્ણવમાં ફરીથી કહેવામાં આવ્યું છેઃ
આત્મસ્વરૂપને સન્મુખ સ્વસ્થ(શાંત) કરવામાં આવેલું મન પણ અનાદિકાળથી ઉત્પન્ન થયેલા અને બંધાયેલા રાગાદિ શત્રુઓથી જબરદસ્તી પીડિત કરવામાં આવે છે, અર્થાત્ પોતાને આધીન (વશ) કરવામાં આવેલું મન પણ રાગાદિક ભાવોથી તત્કાળ કલંકિત (મલિન) કરવામાં આવે છે, એ કારણે મુનિગણો કે સાધકોનું એ કર્તવ્ય છે કે આ વિષયમાં તેઓ પ્રમાદ રહિત (આળસ રહિત) થઈને સૌથી પહેલાં