________________
266
જૈન ધર્મ સાર સંદેશ મનની શુદ્ધતાથી ઉત્તરોત્તર વિવેક વધે છે. જે પુરુષ ચિત્તની શુદ્ધતાને ન પામીને સારી રીતે મુક્ત થવા ઇચ્છે છે તે માત્ર મૃગતૃષ્ણાની નદીમાં જળ પીએ છે. ભાવાર્થ – મૃગતૃષ્ણામાં જળ ક્યાંથી આવ્યું? તે જ પ્રમાણે ચિત્તની શુધ્ધતા વિના મુક્તિ ક્યાંથી થાય?
મનને વશમાં કરવું જેટલું આવશ્યક છે, તેટલું જ કઠિન પણ છે. મન અનેક રૂપ ધારણ કરે છે. ક્યારેક દૈત્ય કે રાક્ષસના સમાન વિકરાળ બનીને જીવોને કષ્ટ પહોંચાડે છે અને ક્યારેક હાથી, વાંદરા અને સર્પના સમાન પોતાના અત્યંત પ્રબળ, ચંચળ અને ઝેરીલા સ્વભાવને પ્રગટ કરે છે. એટલા માટે એને જીતવું અત્યંત કઠિન છે. દઢ સંકલ્પ સાથે અડગ રીતે પોતાની સાધનામાં લાગ્યા રહેનારા સાધકો જ મનને જીતવામાં સફળ થાય છે. મનના સ્વભાવ પર પ્રકાશ નાખતાં તથા એને પૂરી સાવધાની અને સાહસની સાથે વશમાં લાવવાની પ્રેરણા આપતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
વિષય ગ્રહણ કરવામાં લુબ્ધ (લોભી) એવા આ ચિત્તરૂપી દેત્યે (રાક્ષસે) સર્વ પ્રકારની વિક્રિયા (ખરાબ કર્મ) કરીને વિકારરૂપ થઈ પોતાની ઇચ્છાનુસાર આ જગતને પીડિત કર્યું છે.
હે મુનિ! આ ચિત્તરૂપી હસ્તી (હાથી) એવો પ્રબળ છે કે એનું પરાક્રમ અનિવાર્ય છે, અર્થાત્ એની શક્તિને રોકી શકવી કઠિન છે. એટલા માટે જ્યાં સુધી એ સમીચીન (યથાર્થ) સંયમરૂપી ઘરને નષ્ટ કરતું નથી, તેનાથી પહેલાં પહેલાં તું એનું નિવારણ કર. આ ચિત્ત નિરર્ગળ (સ્વચ્છંદ) રહેશે તો સંયમને બગાડશે.
આ ચંચળચિત્તરૂપી વાંદરો વિષયરૂપી વનમાં ભમતો રહે છે. તેથી જે પુરુષ એને રોક્યો, વશ કર્યો, તેને જ વાંછિત ફળની સિદ્ધિ છે.
જે પદ નિર્મત્સર (દ્વષરહિત) તપોનિષ્ઠ મુનિઓ દ્વારા પણ અસાધ્ય છે તે પદ ચિત્તના પ્રસારને રોક્વારા ધીર પુરુષો દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવે છે. ભાવાર્થ - માત્ર બાહ્ય તપથી ઉત્તમ પદ પામવું અસંભવ છે.