________________
અનુપ્રેક્ષા (ભાવના)
259 એટલા માટે જિન-વાણીમાં બાર ભાવનાઓનો ઉલ્લેખ કરીને આ નિશ્ચિત ઉપદેશ દેવામાં આવ્યો છેઃ
એમને (બાર ભાવનાઓને) સમજીને નિત્ય પ્રતિ, મન, વચન અને કાયાની શુદ્ધિ સાથે એમની ભાવના કરો.40
ધ્યાનને સ્થિર બનાવનારી ભાવનાઓ પરમાર્થની સાધનામાં લાગેલા સાધક માટે પોતાના ધ્યાનને સ્થિર બનાવી રાખવું અત્યંત આવશ્યક છે. મનુષ્ય એક સંવેદનશીલ પ્રાણી છે. તે જે વાતાવરણમાં અને જે લોકોની વચ્ચે રહે છે, તેમનાથી તે કોઈ ને કોઈ પ્રકારે અવશ્ય પ્રભાવિત થાય છે. સંસારના સુખી, દુઃખી, ગુણી કે પુણ્યાત્મા અને પાપી-બધા જીવો પ્રતિ મનુષ્યના મનમાં સ્વાભાવિક રીતે વિભિન્ન પ્રકારની પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ ધ્યાન કે સમાધિની સાધના કરનારા સાધકના ચિત્તમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈના પણ પ્રતિ તીવ્ર પ્રતિક્રિયાના ઊઠવાથી વિદન પેદા થાય છે. જો વિભિન્ન પરિસ્થિતિઓમાં પડેલા જીવો પ્રતિ પૂરી કઠોરતા અપનાવી લેવામાં આવે અને તેમની બિલકુલ ઉપેક્ષા કરી દેવાનો વિચાર કરવામાં આવે તો એવું કરી શકવું અત્યંત કઠિન છે અને એવી કઠોરતા મનુષ્ય માટે ઉચિત પણ નથી. આવી સ્થિતિમાં સાધક વિભિન્ન પરિસ્થિતિઓમાં પોતાનું સંતુલન કેવી રીતે બનાવેલું રાખી શકે છે? પોતાના ચિત્તને સંતુલિત રાખ્યા વિના તે પોતાના ધ્યાનને સ્થિર કેવી રીતે રાખી શકે છે? ધ્યાનની સ્થિરતાને માટે આવશ્યક શાંતિ, સમતા અને મૃદુતાને તે કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? આ સમસ્યાઓનું સમાધાન શું છે? અર્થાત્ શાંત ચિત્ત થઈને ધ્યાનને કેવી રીતે સ્થિર રાખી શકાય છે? જેન ધર્મમાં એના માટે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ નામની ચાર ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
તવાધિગમસૂત્રમાં આ ભાવનાઓનો ઉલ્લેખ આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
મૈત્રી પ્રમોદકારુણ્યમાધ્યસ્થાનિ ચ સત્ત્વગુણાધિકક્લિશ્યમાનાવિનયેષુ !