________________
238
જૈન ધર્મ સાર સંદેશ આ સંસાર-સરોવરમાં યમ-ધીવર (માછી)ના હાથથી ફેલાયેલી ચમકીલી જરા-જાળમાં ફસાઈને પણ આ લોકરૂપ દીન-હીન માછલીઓનો સમૂહ પોતાના ઈન્દ્રિય- સુખ-જળમાં ક્રીડા કરતો રહે છે અને નિકટમાં જ પ્રાપ્ત થનારી ઘોર આપત્તિઓનાં ચક્રને જોતો નથી, આ ઘણો જ ખેદનો વિષય છે! અર્થાત્ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ જતાં પણ જે ઈન્દ્રિય-વિષય-સુખોમાં મગ્ન રહે છે તેમની દશા ઘણી જ ખેદજનક છે! એવા લોકો જાળમાં ફસાઈને ક્રીડા કરતાં માછલીઓની જેમ શીઘ જ ઘોર આપદાઓને પ્રાપ્ત થાય છે.
ગત જીવોને કાળના ગાલમાં (મોંમાં) ગયેલા સાંભળીને અને ઘણાને પોતાની સામે કાળના ગાલમાં જતા (મરતા) જોઈને પણ જે લોકો પોતાને સ્થિર માની રહ્યા છે તેનું કારણ એકમાત્ર મોહ છે-અને એટલા માટે એવા લોકો મોહી કહેવાય છે. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાંબુઢાપો આવી જતાં પણ જે લોકો ધર્મમાં ચિત્ત લગાવતા નથી તેઓ પુત્ર-પૌત્રાદિક બંધનોથી પોતાના આત્માને હજી વધુ ને વધુ બંધાવી રહ્યા છે. એવા લોકોનું બંધન-મુક્ત થવું ખૂબ જ કઠિન કાર્ય બની જાય છે.
આ જગતમાં મનોવાંછિત લક્ષ્મી પામ્યા, સમુદ્ર સુધી પૃથ્વીને ભોગવી-તેના પર રાજ્ય કર્યુ- અને તે અતિ મનોહર રમણીય વિષય પ્રાપ્ત કર્યા જે સ્વર્ગમાં દેવતાઓને પણ દુર્લભ છે; પરંતુ આ બધાનું અનંતર (પછી) મૃત્યુ આવશે. અતઃ એ બધા વિષય-ભોગ-જેમનામાં હે આત્મા તું રચ્યા-પચ્યો રહ્યો છે – વિષમિશ્રિત ભોજનના સમાન ધિક્કારને યોગ્ય છે. અર્થાત્ જે પ્રમાણે વિષ ભેળવેલું ભોજન ખાતા સમયે સ્વાદિષ્ટ માલૂમ થાય તો પણ અંતમાં પ્રાણોનું હરણ કરનારું હોવાથી ત્યાજ્ય છે, તે જ પ્રમાણે આ વિષય-સુખો પણ સેવન કરતાં સમયે સારાં માલૂમ હોવા છતાં પણ અંતમાં દુર્ગતિનું કારણ હોવાથી ત્યાગવાને યોગ્ય છે. અતઃ એમનામાં આસક્તિનો ત્યાગ કરીને મુક્તિના માર્ગ પર લાગવું જોઈએ જેનાથી ફરી વિયોગાદિ-જન્ય કષ્ટ ઉઠાવવાં ન પડે.