________________
237
અનુપ્રેક્ષા (ભાવના)
કોઈ નિશ્ચિત કાળ નથી, જેમનો આજે સંયોગ છે કાલે તેમનો જ વિયોગ થઈ જાય છે. આજે જે ધની છે કાલે તે જ દરિદ્ર થઈ જાય છે. આ પ્રમાણે વિચાર કરવાથી આ સંસારની અનિત્યતા આપોઆપ માલૂમ થઈ જાય છે.
એ બતાવતાં કે જીવ આ સંસારમાં અજ્ઞાનજનિત મોહનો શિકાર થઈને અનિત્યને નિત્ય અને દુઃખને સુખ માનવાના ભ્રમમાં પડેલો પોતાનો વિનાશ કરી રહ્યો છે, શુભચંદ્રાચાર્ય આપણને આ ભ્રમમાંથી નીકળવા માટે ચેતાવે છે. તેઓ કહે છેઃ
હે મૂઢ! ક્ષણ-ક્ષણમાં નાશ થનારા ઈન્દ્રિયજનિત સુખમાં પ્રીતિ કરીને એ ત્રણેય ભુવન નાશને પ્રાપ્ત થઈ રહ્યાં છે, તે તું કેમ જોતો નથી?
પુત્ર, સ્ત્રી, બાંધવ, ધન શરીરાદિ ચાલ્યાં જાય છે અને જે છે, તે પણ અવશ્ય જ ચાલ્યાં જશે. પછી એમના માટે આ જીવ વ્યર્થ જ કેમ ખેદ કરે છે?
જે મૂઢ પંચેન્દ્રિયોના વિષય સેવનમાં સુખ શોધે છે, તેઓ જાણે શીતળતા માટે અગ્નિમાં પ્રવેશ કરે છે અને દીર્ધ જીવન માટે વિષપાન કરે છે. તેમને આ વિપરીત-બુદ્ધિથી સુખને સ્થાને દુઃખ જ થશે.
આ જગત ઈન્દ્રજાલવત્ (જાદૂ કે બાજીગરીના સમાન) છે. પ્રાણીઓના નેત્રોને મોહનીઅંજનની જેમ ભુલાવે છે, અને લોકો એમાં મોહને પ્રાપ્ત થઈને પોતાને ભૂલી જાય છે, અર્થાત્ લોકો ધોખો ખાય છે. અતઃ આચાર્ય મહારાજ કહે છે કે આપણે જાણતા નથી એ લોકો કયા કારણથી ભૂલે છે. આ પ્રબળ મોહનું માહાત્મય જ છે.
આ જગતમાં જે જે ચેતન અને અચેતન પદાર્થો છે, તેમને બધા મહર્ષિઓએ ક્ષણ-ક્ષણમાં નષ્ટ થનારા અને વિનાશક (નશ્વર) કહ્યા છે. આ પ્રાણી એમને નિત્યરૂપ માને છે, આ ભ્રમ માત્ર છે.
આચાર્ય પદ્મનન્ટિએ પણ સંસારની અનિત્યતા અને એને ન સમઝવાના કારણે થનારી જીવની દુર્દશાનું ઘણું જ માર્મિક વર્ણન કર્યું છે. તેઓ કહે છેઃ