________________
અનુપ્રેક્ષા (ભાવના)
[239 આ સંસારમાં વિધિના વશથી - પૂર્વોપાર્જિત કર્મને આધીન થયેલો-રાજા પણ ક્ષણભરમાં રંક થઈ જાય છે અને સર્વરોગોથી રહિત તરૂણ હૃષ્ટ-પુષ્ટ નવજુવાન – પણ શીઘ જ નાશને પ્રાપ્ત થઈ જાય છે; બીજાઓની તો વાત જ શું? જ્યારે સંસારમાં સારરૂપ માનવામાં આવનારા ધન અને જીવન બન્નેની જ આવી ક્ષણભંગુર સ્થિતિ છે ત્યારે બુધજનોએ કોને પામીને મદ કરવો જોઈએ? ક્યાંય પણ તેમના મદ માટે સ્થાન નથી, વિધિનાં ચક્કરમાં પડીને પળભરમાં બધો મદ ચકનાચૂર થઈ જાય છે.
ધન, સ્ત્રી અને પુત્રાદિની હાલત તે દીપકોના સમાન છે જે ઊંચા પર્વતની ચોટી પર રાખેલા પવનથી કાંપી રહ્યા છે અને પળભરમાં બુઝાઈ જવાની સ્થિતિમાં છે. આવા ક્ષણભંગુર ધનાદિકને પામીને જે મનુષ્ય ઘમંડ કરે છે – અભિમાની બની રહ્યો છે – તે પ્રાયઃ પાગલ થયેલો મુક્કો-ધૂસો મારીને આકાશને હણવા ચાહે છે! વ્યાકુળ થયેલો સૂકી નદીને તરવાની ચેષ્ટા કરે છે! અને પ્યાસથી પીડિત થયેલો મૃગમરીચિકા (મૃગજળ) ને પીવાનો ઉદ્યમ કરે છે! આ બધાં કાર્યો જે પ્રમાણે વ્યર્થ છે અને એમને કરનારા કોઈ પણ મનુષ્યના પાગલપણાને સૂચિત કરે છે, તે જ પ્રમાણે સ્ત્રી-પુત્ર-ધનાદિકને પામીને અહંકાર (ગર્વ) કરવો પણ વ્યર્થ છે અને તે અહંકારીના પાગલપણાને સૂચિત કરે છે.
મનુષ્યનો સૌથી ઘનિષ્ઠ સંબંધ અને તેની સૌથી ગહન આસક્તિ પોતાના શરીર સાથે હોય છે, જેને તે રોજ સવારે-શણગારે છે અને જેના સુખ-આરામને માટે અનેક ઉપાય અને અથાક પ્રયત્નો કરે છે. તે ભૂલી જાય છે કે તેનું શરીર નશ્વર છે, જીવનું બંધન છે અને દુઃખનું કારણ છે. તે પોતાની સુંદરતા, શક્તિ અને સામર્થ્યનું અભિમાન કરે છે, પરંતુ કાળની સામે તેનું કંઈ પણ જોર ચાલતું નથી. પોતાના પ્રિયજનોના મૃત્યુ પર તે નાહક રડે-વિલાપ કરે છે અને પોતાના મૃત્યુને, જેને ટાળી શકાતું નથી, ભૂલાવી રહે છે. જીવનની અનિત્યતા પર ઉચિત ધ્યાન ન આપવાને કારણે તે પોતાના દુર્લભ મનુષ્ય-જીવનના અમૂલ્ય સમયને વ્યર્થ જ ગુમાવીને સંસારમાંથી ચાલ્યો જાય છે.