________________
199 કર્તવ્યને નિભાવવું અત્યંત આવશ્યક છે. જો કોઈ પાત્ર ઊંધા મોંએ પડેલું હોય અથવા ગંદકી અર્થાત્ વિકારોથી ભરેલું હોય તો તે ભલા ગુરુનો પવિત્ર અમૃતમય ઉપદેશ કેવી રીતે ગ્રહણ કરી શકે છે? એટલા માટે એ આવશ્યક છે કે જીવ પોતાના જીવનની શુદ્ધતા પર ધ્યાન આપે, સદાચારના આવશ્યક નિયમોનું પાલન કરે, શ્રદ્ધાભાવથી ગુરુની પાસે જાય, ગુરુના ઉપદેશોને સાંભળે, તેમનાથી દીક્ષા લે અને પછી દઢતાની સાથે ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે. શિષ્યને માટે વિનમ્રભાવથી ગુરુની આજ્ઞામાં રહેવું તથા તેમની સેવા અને ભક્તિ કરવી આવશ્યક છે. પછી સંયમપૂર્વક આત્મ-સાધનામાં લાગીને આત્મ-શુદ્ધિ કરવી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી સહજ થઈ જાય છે. આ આવશ્યક કર્તવ્યોનું દઢતાપૂર્વક પાલન કરનારો શિષ્ય જ ગુરુકૃપાનો પૂરો લાભ ઉઠાવીને પોતાના જીવનને સફળ બનાવી શકે છે. શિષ્યના કર્તવ્ય-સંબંધી આવી જ કેટલીક વાતો પર અહીં જૈનાચાર્યોના વિચાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.
જે ભાગ્યશાળી જીવો છે તેઓ જ પોતાના સ્વરૂપને સમજવા અને પોતાનાં દુઃખોને દૂર કરવાના સંબંધમાં ગહનતાથી વિચારે છે. તેઓ કોઈ સાચા ગુરુની ખોજ કરે છે, તેમની પાસે જઈને તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરે છે અને તેમના ઉપદેશાનુસાર આધ્યાત્મિક અભ્યાસમાં લાગીને પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ સંબંધમાં પંડિત ટોડરમલજી કહે છેઃ
ભલો હોનહાર છે એટલા માટે જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું? મારું શું સ્વરૂપ છે? જીવ દુઃખી થઈ રહ્યો છે તેથી દુઃખ દૂર થવાનો શું ઉપાય છે?– મારે આટલી વાતોનો નિર્ણય કરીને જે કંઈ મારું હિત છે તે કરવું જોઈએ – આવા વિચારથી ઉદ્યમવંત (પ્રયત્નશીલ) બને છે. પુનશ્વ, આ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થાય છે એવું જાણીને અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે; કંઈક પૂછવું હોય તો પૂછે છે; તથા ગુરુઓએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અર્થોનો નિશ્ચય કરીને જે કર્તવ્ય હોય તેનો ઉદ્યમી થાય છે. 62