________________
ગુરુ
183
આગમ (સદ્ગથીના) અનુકૂળ વચન બોલે છે. જેમની વાણીમાં ન કટુતા છે ન કઠોરતા છે, એવા સત્ય મહાવ્રત યુક્ત છે. તે મુનિરાજ પારકી વસ્તુ લેવાનો ભાવ પણ કરતા નથી એવા અચોર્ય મહાવ્રત યુક્ત છે. તે મુનિરાજનો સંસારની બધી જ સ્ત્રીઓ પ્રતિ માતા, બહેન, પુત્રી જેવો વ્યવહાર છે અને પોતાના અંતરંગમાં (અંતરમાં) રતીભાર કામ-વાસના આવવા દેતા નથી. તેથી બ્રહ્મચર્ય મહાવત સહિત છે.
આમ તો સંસારમાં ઉપદેશકોની કોઈ કમી નથી. પરંતુ કેવળ સદ્ગુરુ જ સાચા હિતોપદેશી હોય છે જે નિઃસ્વાર્થ ભાવથી માત્ર જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે છે. તેઓ સ્વયં આધ્યાત્મરસના આનંદનો અનુભવ પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે અને બીજાઓને પણ પોતાના ઉપદેશ દ્વારા તેઓ તે જ આનંદરસનો અનુભવ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. જેણે સ્વયં આધ્યાત્મરસને ચાખ્યો નથી તેને સાચો ઉપદેશક અથવા વક્તા માનવો જોઈએ નહીં. આ સંબંધમાં પંડિત ટોડરમલ ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છે:
આધ્યાત્મરસ દ્વારા યથાર્થ પોતાના સ્વરૂપનો અનુભવ જેને થયો ન હોય તે જિનધર્મનો મર્મ જાણતો નથી. આધ્યાત્મસમય સાચા જિન ધર્મનું સ્વરૂપ તેના દ્વારા કેવી રીતે પ્રગટ કરી શકાય? એટલા માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું (ઉપદેશક હોવાનો ગુણ) હોય છે. જે આધ્યાત્મરસનો રસિયો વક્તા છે, તેને જિન ધર્મના રહસ્યનો વક્તા જાણવો... એવો જે વકતા ધર્મબુદ્ધિથી ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે અને જે કષાયબુદ્ધિથી (માન, માયા, લોભ વગેરેથી યુક્ત બુદ્ધિથી) ઉપદેશ આપે છે તે પોતાનું તથા અન્ય જીવોનું બૂરું કરે છે – એવું જાણવું. 6
સ્વાર્થી ઉપદેશકોથી સાવધાન કરવાના ઉદ્દેશ્યથી તેઓ ફરી કહે છેઃ વક્તા કેવો હોવો જોઈએ કે જેને શાસ્ત્ર વાંચીને આજીવિકા વગેરે લૌકિક-કાર્ય સાધવાની ઇચ્છા ન હોય; કારણ કે જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકતો નથી.37