________________
150
જૈન ધર્મ સાર સંદેશ આત્મ-લીનતાની અવસ્થામાં જીવ બધાં કર્મ-બંધનોથી મુક્ત થઈ જાય છે. એટલા માટે એને મુક્તિ અથવા મોક્ષ કહે છે. આ અનંત આનંદની અવસ્થા છે, જેને આપણે કેવળ પોતાના મનુષ્ય-જીવનમાં જ પ્રાપ્ત કરી શકીએ છીએ. એને પ્રાપ્ત કરવી જ મનુષ્ય-જીવનને સફળ અથવા સાર્થક બનાવવું છે. એને સ્પષ્ટ કરતાં તત્વભાવનામાં કહેવામાં આવ્યું છેઃ
સર્વ કર્મોના બંધથી છૂટીને આત્માનું પવિત્ર થઈ જવાનું નામ મોક્ષ તત્ત્વ છે. મોક્ષ અવસ્થામાં આત્મા સદા પોતાના જ્ઞાનાનંદનો વિલાસ કર્યા કરે છે જ્યાં સુધી આપણે આ દેહમાં છીએ આપણે આપણો સમય આવી જ રીતે વિતાવીને સફળ કરવો જોઈએ. આ જ માનવ જીવનનો લાભ છે.]
અજ્ઞાની જીવો પોતાના શરીરની ચિંતા તો ખૂબ જ કરે છે, પરંતુ પોતાના આત્માની ચિંતા તેમને હોતી નથી. જો તેઓ આત્મ-ચિંતન કરે અને પોતાની આત્મ-શુદ્ધિની તરફ ધ્યાન આપે તો તેઓ નરથી નારાયણ બની શકે છે. આ વાતની તરફ ધ્યાન અપાવતાં વર્ણજી કહે છેઃ
જેટલી ચિંતા આ રોગોના ઘર શરીરને સ્વચ્છ અને સુરક્ષિત કરવાની લોકો કરે છે, જો તેટલી ચિંતા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની (રાગદ્વેષથી બચાવવાની) કરે તો એક દિવસ તેઓ અવશ્ય જ નરથી નારાયણ બની જશે એમાં કોઈ આશ્ચર્ય નથી.34
વર્ણજી વારંવાર અનેક પ્રકારથી આપણને પોતાની-જાતને ઓળખવા અથવા આત્માનુભવ પ્રાપ્ત કરવાને માટે ચેતવે છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ આંતરિક જ્ઞાન વિના મનુષ્ય-જીવન નિરર્થક છેઃ
સ્વરૂપ-સંબોધન (પોતાના અસલી સ્વરૂપનું જ્ઞાન અથવા અનુભવો જ કાર્યકારી (બધાં કાર્યોને કરનારું) અને આત્મકલ્યાણની કૂંચી (ચાવી) છે. એના વિના મનુષ્ય-જન્મ નિરર્થક છે.