________________
650
માનવ-જીવન
માનવ-જીવનની દુર્લભતા અસંખ્ય જન્મો સુધી આવાગમનના ચક્રમાં પડીને દુઃખ ભોગવતા રહ્યા પછી ઊંચા ભાગ્યથી જીવને મનુષ્યનું દુર્લભ જીવન પ્રાપ્ત થાય છે જેનો સદુપયોગ કરીને તે સદાને માટે આવાગમનના ચક્રમાંથી છુટકારો પામી શકે છે. આ મનુષ્ય-જીવન જ કર્મોને પૂરી રીતે નષ્ટ કરીને આત્માના અસલી સ્વરૂપને ઓળખવાનો અને બધાં દુઃખોને દૂર કરીને અનંત સુખ અથવા મોક્ષને પ્રાપ્ત કરવાનો એકમાત્ર અવસર છે. એટલા માટે આ જીવનને સર્વશ્રેષ્ઠ અથવા સર્વોત્તમ જીવન કહેવામાં આવે છે. પરંતુ આ માનવ-જીવનને પામવું અત્યંત કઠિન છે. એને પરમ દુર્લભ માનવામાં આવ્યું છે. એને સ્પષ્ટ કરતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
આ જીવ અનાદિ કાળથી અનંત કાળ સુધી સંસારની નિગોદ (અત્યંત સૂક્ષ્મ) યોનિઓમાં વાસ કરે છે જ્યાં એક શરીરમાં અનંત જીવોનો વાસ જોવા મળે છે. ત્યાંથી નીકળીને તે પૃથ્વીકાયાદિક પર્યાય (જન્મ) ધારણ કરે છે.
જે પ્રમાણે સમુદ્રમાં પડી ગયેલા રત્નને ફરી પામવું અત્યંત દુર્લભ છે તે જ પ્રમાણે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરવો મહાન દુર્લભ છે. તે મનુષ્ય ગતિમાં જ શુભ ધ્યાન થાય છે અને તે જ મનુષ્ય ગતિથી જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
137