________________
અહિંસા
127
જે પાપી નર પોતાનાં અને અન્યનાં સુખ-દુઃખ અને હિત-અહિતનો વિચાર ન કરતાં જીવોને મારે છે તે મનુષ્ય-જન્મમાં પણ રાક્ષસ છે, કારણ કે મનુષ્ય હોત તો પોતાનું અને બીજાનું હિતાહિત વિચારત.5
જ્યારે હિંસક કોઈ જીવની હિંસા કરે છે ત્યારે તે ભૂલી જાય છે કે તે જીવની હિંસા કરવામાં તે સ્વયં પોતાની પણ હિંસા કરી રહ્યો છે. બીજા જીવોની હિંસા કરતાં પહેલાં તે સ્વયં જ પોતાની અંદર રાગ, દ્વેષ, ક્રોધ વગેરે વિકારો પેદા થવાથી પોતાની હિંસા કે આત્મઘાત કરે છે. એટલા માટે હિંસાનો ત્યાગ કરવામાં જ આત્મહિત છે. જિન-વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
કોઈ અન્ય જીવનો વધ સ્વયં પોતાનો જ વધ છે તથા અન્ય જીવોની દયા પોતાના પર જ દયા છે. તેથી હિંસાનું વિષ કંટકની જેમ પરિહરણ (ત્યાગ) કરવું જોઈએ.36
પહેલાં કહેવાઈ ચુક્યું છે કે દયા ધર્મનું મૂળ છે. એટલા માટે જૈનધર્મમાં દયાસ્વરૂપ અહિંસાને ધર્મનું લક્ષણ માનવામાં આવે છે. એનાથી વિપરીત હિંસાને અધર્મનું લક્ષણ સમજવામાં આવે છે. આ રીતે ધર્મ અને હિંસા એકબીજાના વિપરીત છે. ધર્મમાં હિંસાને ક્યારેય ભેળવી શકાતી નથી. છતાં પણ કેટલાંક અજ્ઞાની અને પાંખડી લોકો કપોલકલ્પિત શાસ્ત્રોની રચના કરીને ધર્મના નામ પર પશુઓની બલિ ચઢાવવાને અથવા અન્ય પ્રકારે જીવ હિંસા કરવાને ઉચિત ઠેરવે છે. જૈન ધર્મના અનુસાર દયાપૂર્ણ ધર્મમાં નિર્દયતાપૂર્ણ હિંસાને ભેળવવી એ મોટો અનર્થ છે, જેવું કે જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છેઃ
આચાર્ય (શુભચંદ્રાચાર્ય મહારાજ આશ્ચર્યની સાથે કહે છે કે જુઓ! ધર્મ તો દયામયી જગતમાં પ્રસિદ્ધ છે, પરંતુ વિષયકષાય (વિષય-વિકારો)થી પીડિત પાંખડી હિંસાનો ઉપદેશ દેનારાઓ (યજ્ઞાદિકમાં પશુ હોમવાં તથા દેવી વગેરે માટે બલિદાન કરવાં વગેરે હિંસાવિધાન કરનારા) શાસ્ત્રોની રચના કરીને જગતના જીવોને જબરદસ્તી નરકાદિકમાં લઈ જાય છે. આ ઘણો મોટો જ અનર્થ છે.37