________________
126
જૈન ધર્મ સાર સંદેશ જ્ઞાનાવમાં પણ કહેવામાં આવ્યું છેઃ આ હિંસા જ નરકરૂપી ઘરમાં પ્રવેશ કરવા માટે પ્રતોલી (મુખ્ય દરવાજો) છે તથા જીવોને કાપવા માટે કુઠાર કુહાડો) અને વિદારવા માટે (ચીરી નાંખવા માટે) નિર્દયરૂપી શૂળી છે. જે ધર્મરૂપ વૃક્ષ ઉત્તમ ક્ષમાદિક ઉદાર સંયમોથી ઘણા સમયથી વિકસિત કરવામાં આવે છે તે આ હિંસારૂપ કુઠારથી ક્ષણ માત્રમાં નષ્ટ થઈ જાય છે. ભાવાર્થ-જયાં હિંસા થાય છે ત્યાં ધર્મનો અંશ પણ રહેતો નથી.
સંસારમાં જીવોનાં જે કંઈ દુઃખ, શોક, ભયના બીજ કર્મ છે તથા દુર્ભાગ્યાદિક છે તે સમસ્ત એકમાત્ર હિંસાથી ઉત્પન્ન થયેલા જાણો. ભાવાર્થ-સમસ્ત પાપકર્મોનું મૂળ હિંસા જ છે.”
હિંસા કરનારે પોતાના હિસંક કર્મોના ફળસ્વરૂપે જે દુર્ગતિનો સામનો કરવો પડે છે તેની કલ્પનાથી જ જીવ ધ્રુજી ઉઠે છે. તેની વિકરાળતા (ભયંકરતા)નું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. જીવહિંસા દ્વારા માનવ પોતાને દાનવ (રાક્ષસ) બનાવી દે છે. એટલા માટે જીવહિંસકનું મન ક્યારેય પણ ધ્યાન, સમાધિ વગેરે અંતર્મુખી અભ્યાસમાં લાગી શકતું નથી. એને સમજાવતાં જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છેઃ
જીવોનો ઘાત (હિંસા) કરવાથી પાપકર્મનું ઉપાર્જન થાય છે. તેનું જે ફળ અર્થાત્ દુઃખ નરકાદિક ગતિમાં જીવ ભોગવે છે તે વચનોથી અગોચર છે, અર્થાત્ વચનથી કહેવામાં આવી શકતું નથી.
હૃદયમાં ક્ષણભર પણ સ્થાન પામેલી આ હિંસા તપ, યમ, સમાધિ અને ધ્યાનાધ્યયનાદિ (ધ્યાન, અધ્યયન વગેરે) કાર્યોને નિરંતર પીડા આપે છે. ભાવાર્થ-ક્રોધાદિ કષાયરૂપ પરિણામ (હિંસારૂપ પરિણામ) કોઈ કારણે એકવાર ઉત્પન્ન થઈ જાય છે તો તેમના સંસ્કાર (સ્મરણ) લાગેલા રહે છે. તે તપ, યમ, સમાધિ અને ધ્યાનાધ્યયનકાર્યોમાં ચિત્તને ટકવા દેતું નથી, એ કારણે આ હિંસા મહા અનર્થકારિણી છે.