________________
108
જૈન ધર્મ સાર સંદેશ જેનાં પરિણામ (આંતરિક ભાવ) હિંસારૂપ (રાગ-દ્વેષ, ક્રોધ વગેરે વિકાર રૂપ) થયા, ભલે તેઓ (પરિણામ) હિંસાનું કોઈ કાર્ય કરી શક્યા ન હોય તો પણ તે જીવ હિંસાના ફળને ભોગવશે અને જે જીવના શરીરથી કોઈ કારણ હિંસા તો થઈ ગઈ પરંતુ પરિણામો (આંતરિક ભાવો)માં હિંસારૂપક્તા (હિંસાની ભાવના) આવી નથી તો તે હિંસા કરવાનો ભાગીદાર ક્યારેય થશે નહીં.
પરંતુ એનો એ અર્થ સમજવો જોઈએ નહીં કે સાધારણ બોલચાલની ભાષામાં જેને હિંસા કહેવાય છે – જેમ કે કોઈને મારવું કે દુઃખ આપવું - તે હિંસા નથી. તે તો હિંસા છે જ, કારણ કે આ પ્રમાણે જાણી-બૂઝીને કરવામાં આવેલાં હિસંક કાર્યો આંતરિક હિંસાત્મક ભાવો પર આધારિત હોય છે જ. અહીં કેવળ એ સમજાવવાની ચેષ્ટા કરવામાં આવી છે કે આંતરિક હિંસાત્મક ભાવ (ભાવ હિંસા) જ બાહ્ય હિંસાનું મૂળ કારણ છે, એટલા માટે એ મૂળ કારણ વિના ફક્ત જીવઘાતના આધારે કોઈને હિંસક કહી શકાય નહીં.
જો માત્ર જીવઘાતના આધારે કોઈને હિંસક માની લેવામાં આવે તો સંસારમાં કોઈપણ અહિંસક રહી શકતું નથી. એને રાજવાર્તિક માં પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં આ રીતે સમજાવવામાં આવ્યું છેઃ
પ્રશ્ન – જળમાં, સ્થળમાં અને આકાશમાં બધી જગ્યાએ જંતુ જ જંતુઓ છે. આ જંતુમય જગતનાં સાધક અહિંસક કેવી રીતે રહી શકે છે? ઉત્તર - આ શંકાને અહીં અવકાશ નથી, કારણ કે જ્ઞાનધ્યાનપરાયણ અપ્રમત (જ્ઞાન-ધ્યાનમાં તલ્લીન એવા સચેત ) સાધકને માત્ર પ્રાણ વિયોગથી હિંસા થતી નથી. બીજી વાત એ છે કે જીવ પણ સૂક્ષ્મ અને
સ્થૂળ બે પ્રકારના છે. તેમનામાં જે સૂક્ષ્મ છે તેઓ તો ન કોઈથી રોકી શકાય છે, અને ન કોઈને રોકે છે, અતઃ તેમની હિંસા તો થતી નથી. જે સ્થૂળ જીવ છે તેમની યથાશક્તિ રક્ષા કરવામાં આવે છે. જેમની હિંસાને રોકવી શક્ય (સંભવ) છે તેને પ્રયત્નપૂર્વક રોકનારા સંતની (સંયમીની) હિંસા કેવી રીતે થઈ શકે છે?