________________
ટેકરી ઉપર જઈએ ત્યારે આ ગોમટેશ્વરની મૂર્તિના ચરણ કમળ આગળ પહોંચીએ છીએ. આ મૂર્તિ ૧૦૨૭ની સાલ બાદ અરિષ્ટનેમિ નામના એક સ્થપતિએ કંડારી હતી. મૂર્તિ નગ્ન અવસ્થામાં છે, પણ તેના ચહેરાના ભાવો પરથી તેની સંસાર પ્રત્યેની વિરક્તતા દેખાઈ આવે છે. તે કાયોત્સર્ગ મૂદ્રામાં છે. તે શાંત, સૌમ્ય અને ગંભીર ભાવ પ્રદર્શિત કરે છે. મૂર્તિના શરીર પર ઉગેલ વેલાઓ, બાઝેલા રાફડાઓ અને તેમાંથી નીકળતા મોટા મોટા નાગો અને સર્પો દ્વારા બાહુબલિએ આદરેલ ઉગ્ર તપશ્ચર્યાનો ખ્યાલ આવે છે. આ મહાકાય પ્રતિમા બાહુબલિજીના તપસ્વી જીવનને પ્રતિબિંબિત કરે છે. કલાની દ્રષ્ટિએ આ મૂર્તિ ભારતીય શિલ્પકળાનો એક ઉત્તમ નમૂનો છે.
દર બાર વર્ષે મહામસ્તકાભિષેક અર્થાત શિર પરથી પ્રક્ષાલન કરવાની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગને અનુરૂપ બાંધવામાં આવતી પાલખ ઉપરથી ઘર્મગુરૂઓ અને ભક્તો પ્રથમ પવિત્ર પાણીના ૧૦૦૮ કળશોથી અભિષેક કરે છે. પછી ઘી, દૂધ, નાળિયેરનું પાણી, હળદર, ચંદન, મધ, હિંગળોક,સોનું ઝવેરાતના કિમતી રત્નો વગેરે દ્વારા અભિષેક કરે છે. આ પ્રસંગે દેશ પરદેશથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અને પર્યટકો આવે છે. આવો છેલ્લો અભિષેક ઈ.સ. ૧૯૮૧ની સાલમાં કરવામાં આવ્યો હતો. છાપાંના સમાચાર મુજબ, લગભગ દસ લાખ માણસો આ પ્રસંગે હાજર હતા. આ અભિષેકની એક મહત્તા એ હતી કે આ મૂર્તિની સ્થાપના પછી તેને હજાર વર્ષ પૂરા થતાં હતાં.
આ મૂર્તિના ખભા પહોળા છે, છાતી વિશાળ છે. શરીર સૌષ્ઠવ અને લાવણ્ય આકર્ષકછે. પણ તે બધાં કરતાંયે દયાન ધરતી આકૃતિની મુદ્રા (પોઝ). યાને દેખાવ, મુખારવિંદ પરના શાંત કરૂણતાના ભાવ, એક મહાન તપસ્વીની મૂર્તિનો ખ્યાલ આપે છે. વદન સુડોળ છે. અઘરોષ્ટ આકર્ષક છે અને તેમાંથી મંદ મંદ સ્મિત વહેતું હોય અને દિવ્ય જ્યોત વરસતી હોય તેવો ભાવ પેદા કરે છે. મૂર્તિ નગ્ન છે પણ તેની નગ્નતામાં કશી જ કૃત્રિમતા નથી