________________
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી વચનામૃતજીમાં ઠેર ઠેર વૈરાગ્ય, ઉપશમ, ચિત્તસ્થિરતા, સત્સંગ, ભક્તિ, વીતરાગતાનું માહાત્મ આવે તેવા ગ્રંથો વાંચવાની ભલામણ કરી છે. પત્રાંક - ૩૮૨ માં કહ્યું છે,
જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં.”
પત્રાંક - ૩૮૧ માં કહ્યું છે,
“માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતાં જેમાં સપુરુષના ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવા પુસ્તકોનો ભાવ રાખજો.”
પત્રાંક - ૩૭૫ માં કહ્યું છે, “જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે.” આ ઉપશમસ્વરૂપ જિનાગમમાં શું કહ્યું છે? તે પત્રાંક - ૩૯૭ માં બહુ સરસ કહ્યું છે,
“તે પુરુષના (જ્ઞાનીપુરુષના) ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્ય જિનાગમને વિષે છે.”
આ જિનાગમ કેવી રીતે વાંચવાં? કેટલા પ્રેમથી વાંચવાં? તે પત્રાંક - ૩૯૫ માં કહ્યું છે,
“તે સપુરુષ દ્વારા શ્રવણપ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ જે બીજા પદાર્થો પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રતધર્મ કરવાનો ઉપદેશ કર્યો છે.”
પરમકૃપાળુદેવ તથા અન્ય જ્ઞાની ભગવંતોના વચનો જેમાં ગર્ભિતપણે આવી જાય છે અને ઠાંસી ઠાંસીને જેમાં ગુરુગમભરી છે એવો આ ગ્રંથ દરેક જિજ્ઞાસુ જીવોને વાંચવા-સમજવા - અભ્યાસવા - નિદિધ્યાસવાની વિનંતી.
મારા સાધનાજીવનના તેઓશ્રી આદર્શ છે. હું તેમના પ્રત્યે હૃદયથી મારો અહોભાવ વ્યક્ત કરું છું.
સપુરુષ ચરણરજ
રીના શાહ