________________
પુસ્તક વાંચતા પહેલાં આટલું અવશ્ય વાંચો
જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ-ત્યાગ-પરોપકાર દરેકનો જેમના જીવનમાં અદ્ભુત સમન્વય જોવા મળે છે એવા બા.બ્ર. પૂજ્યશ્રી ગોકુળભાઈનું સાધનાજીવન આત્મકલ્યાણ ઇચ્છતા દરેક સાધક માટે પરમ પ્રેરણારૂપ છે. તેઓશ્રી એક નીડર અને નિષ્ણાંત વક્તા છે. તેમનું ચારિત્રનું બળ પણ અતિ સરાહનીય છે. નિશ્ચય અને વ્યવહાર, અધ્યાત્મ અને સિદ્ધાંત, પરમકૃપાળુદેવ તથા આચાર્યશ્રી વિદ્યાસાગરજીનું જબરજસ્ત બેલેન્સ એ તેમના સ્વાધ્યાયની એક વિશેષતા છે. તત્ત્વની ઘણી સ્પષ્ટતા, નિર્ભયતા, ચારિત્રની દઢતા, દેહાધ્યાસનો ઘણો અભાવ, સાચું ક્ષત્રિયપણું તેઓશ્રીના જીવનમાં જોવા મળે છે. જેમ ડૉક્ટર સુગર કોટેડકડવી દવા આપે છે, તેમ તેઓશ્રી હાસ્યયુક્ત નિર્દોષ આનંદરૂપી સુગર કોટેશનમાં વૈરાગ્યરૂપી કડવી દવા આપવાના નિષ્ણાંત ડૉક્ટર છે. વળી, એટલા સુંદર ઘરેલું દૃષ્ટાંત આપે છે કે જે તે સિદ્ધાંત દરેકને ફીટ બેસી જાય. જેમ કે, આપણે ચાલતા હોઈએ અને ઠેસ વાગી, તો પડતી વખતે એવો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી ઓછામાં ઓછું વાગે; તેવી જ રીતે સાધનામાંથી પીછેહઠ કરાવે એવા અમુક નિમિત્તો આવે તો ઓછામાં ઓછું નુક્સાન થાય તેનું ધ્યાન રાખવું. આ અને આવા અનેક સુંદર દષ્ટાંતો આપણને આ ગ્રંથમાં જોવા મળશે.
સ્વરૂપનો જે આશ્રય, રત્નત્રયની અભેદતા તે જ સાધના, માત્ર પોતાની સાધના, બહારમાં કંઈ પણ બને - બધું પરમાં છે, કોણ શું કરે છે તે ન જોવું, જેને જે કરવું હોય તે કરે, સદ્ગુરુનો જે સ્વીકાર, કુગુરુનો વિનમ્રતા સહિત પણ મક્કમપણે અસ્વીકાર, ચતુર્થ-પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાની પુરુષનો જેમ છે તેમ સ્વીકાર, પરમકૃપાળુદેવ પ્રત્યે અત્યંત ભક્તિ છતાં અતિશયોક્તિથી દૂર, વીતરાગમાર્ગની અનાદિ પરિપાટી, આ.શ્રી કુંદકુંદદેવ તથા આ.શ્રી વિદ્યાસાગરજી વગેરે આચાર્યો પ્રત્યે અનહદ પ્રેમયુક્ત ભક્તિભાવ વગેરે અનેક મુદ્દા તેઓશ્રીના આ ગ્રંથમાં આપણને જોવા મળે છે.
આ “ધ્યય-સિદ્ધિ' નામનો ગ્રંથ એડીટીંગ અને પ્રૂફ ચેકીંગ દરમ્યાન ત્રણથી ચાર વખત વાંચવાનો બન્યો છે. જે દરમ્યાન સતત મેં તેમની હાજરી અનુભવી છે. જેનાથી મારા ભાવોમાં અત્યંત ઉલ્લસિત પરિણતિ અને પ્રેરણા પ્રાપ્ત થયા છે. જે કોઈ સાધક-મુમુક્ષુ-આત્માર્થી જીવોને પ્રેક્ટીકલી સાધના કરવી હોય અને આ જ ભવમાં સમ્યગદર્શનરૂપી ધ્યેય સિદ્ધ કરવા માટે ખૂબ પ્રેરણાદાયક છે. વીતરાગ ભગવાન પ્રણિત મોક્ષમાર્ગને સામાન્ય ભાષામાં ઉતારવાની તેમની એક ચમત્કૃતિ છે. વીતરાગદર્શન પ્રત્યેની તેમની સ્પષ્ટ સમજણ અને ગજબની આસ્થા વાંચનારને ખ્યાલ આવ્યા વગર નહીં રહે.