________________
અનાગતાદિ વસ્તુને તે તે સ્વરૂપે વર્તમાનમાં વિદ્યમાન મનાય છે. અતીતાદિ ધર્મોને વર્તમાન સ્વરૂપે માનવામાં વિરોધ છે. સ્વ-સ્વરૂપે વિદ્યમાન માનવામાં વિરોધ નથી. શાંત(અતીત), ઉદિત(વર્તમાન) અને અવ્યપદેશ્ય (અનાગત) : આ ત્રણ જે ધર્મ છે, તેમાં અનુગત (અન્વિત-સંબદ્ધ) હોવાવાળો ધર્મી છે. ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન જે ઘટ આદિ ધર્મ છે, તેમાં સર્વદા અન્વિત મૃત્તિકા ધર્મી છે. તે વ્યક્ત(પ્રગટ-ઉદિત-વર્તમાન) અને સૂક્ષ્મ(અવ્યક્ત, શાંત, અવ્યપદેશ્ય) ધર્મો સત્ત્વાદિ ગુણોના જ સ્વરૂપ છે. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો તે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ : આ પંચતન્માત્ર સ્વરૂપ છે. એ પંચતન્માત્ર અને અગિયાર ઈન્દ્રિયો(સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય તેમ જ વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ સ્વરૂપ કર્મેન્દ્રિયો તથા મન : આ અગિયાર) અહંકાર સ્વરૂપ છે. અહંકાર મહત્તત્ત્વસ્વરૂપ છે. મહત્તત્ત્વ પ્રધાન(પ્રકૃતિ)સ્વરૂપ છે અને પ્રધાન સત્ત્વાદિ(રજસ્, તમસ્) ત્રણ ગુણસ્વરૂપ છે. આવી રીતે આ સૃષ્ટિપ્રપંચ સાક્ષાત્ કે પરંપરાએ ગુણસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે અનેકોના પરિણામો પણ એકસ્વરૂપ હોવાથી વસ્તુતત્ત્વ પણ એકસ્વરૂપ છે. તેથી સર્વત્ર ચિત્ત અન્વિત બનતું હોવાથી ચિત્તના અનન્વયનો પ્રસઙ્ગ આવતો નથી. આ પ્રમાણે સાખ્યોએ જણાવેલી વાત બરાબર નથી.
૪૧