________________
૧૯૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
એક વખત તે નગરમાં ધર્મઘોષ નામના એક મુનિએ ભિક્ષાએ ફરતાં ફરતાં મંત્રીના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં રહેલી સંગીની સ્ત્રી ઘી, સાકરયુક્ત ખીર ભરેલી થાળી લઈને વહોરાવવા જાય છે, ત્યાં અચાનક ખીરનો છાંટો જમીન ઉપર પડ્યો. આ જોઈ ભિક્ષા લીધા સિવાય મુનિ તે ઘરમાંથી નીકળી ગયા.
આ દૃશ્ય વારત્તક મંત્રીએ જોયું અને વિચારમાં પડ્યા કે “સાધુ મારા ઘેરથી ભિક્ષા લીધા સિવાય કેમ જતા રહ્યા ?' આમ વિચાર કરે છે ત્યાં તેમની દૃષ્ટિ જમીન ઉપર પડેલા ખીરના છાંટા ઉપર ગઈ તો છાંટા ઉપર એક માખી બેઠી હતી, તેને પકડવા એક ગીરોલી આવી, ગીરોલીને પકડવા સરટ (કાકીડો) દોડ્યો, કાકીડાને પકડવા એક બિલાડી આવી, તેને પકડવા પાડોશીનો કૂતરો આવ્યો, ત્યાં બીજો કૂતરો આવ્યો, બન્ને કૂતરા લડવા લાગ્યા. તે જોઈને કૂતરાના માલિકોનો પરસ્પર કલહ થયો અને મોટું રમખાણ મચી ગયું.
આ જોઈ મંત્રી વિચારવા લાગ્યો કે “એક બિંદુ નીચે પડ્યું, તેમાં આવો અનર્થ થયો. આ અનર્થના ભયથી મુનિએ ભિક્ષા લીધી નહિ. અહો ! કેવો દીર્ઘ દૃષ્ટિવાળો ભગવંતનો ધર્મ છે. આવો ધર્મ સર્વજ્ઞ સિવાય કોણ કહી શકે ?” જેમ આંધળો રૂપને જોઈ શકે નહિ તેમ જે સર્વજ્ઞ ન હોય તે દોષ વિનાનો ધર્મ કહી શકે નહિ. જિનેશ્વર ભગવાન જ સર્વજ્ઞ છે, એજ મારા દેવ હો. તેમણે કહેલું અનુષ્ઠાન જ મારે કરવું.”
આ પ્રમાણે વિચાર કરી વૈરાગ્ય પામેલા વારત્તક મંત્રી, જિનમંદિરમાં ગયા. ભગવંતનાં ભાવથી દર્શન કર્યા, પછી મંદિરમાંથી બહાર નીકળીને શ્રી ધર્મઘોષ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
શરીરની પણ મમતા રાખ્યા સિવાય વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતાં અને સંયમનું સુંદર રીતે પાલન કરતાં ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.
પિંડનિર્યુક્તિ' ગ્રંથમાં પ્રધાનને વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું પ્રતિબોધ પામ્યા. સ્વયંબુદ્ધ થયા, દેવે વેશ આપ્યો. સાધુ બન્યા, મહાદુષ્કર અનુષ્ઠાનને કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.” આ પ્રમાણે જણાવેલ છે.
ગવેષણાના અને ગ્રહણએષણાના દોષો જણાવ્યા. હવે ગ્રાસ એષણાના દોષો જણાવાય છે.
ઇતિ દશમ છર્દિત દોષ નિરૂપણ.
ઇતિ ગ્રહણએષણા દોષો.