________________
પિંડનિર્યુક્તિ-પરાગ
એષણાના દશ દોષો સાધુ અને ગૃહસ્થથી લાગે છે. માંડલીના પાંચ દોષો સાધુને ગોચરી વાપરતા લાગે છે.
આથી સાધુએ ઉદ્દગમના સોળ દોષો અને ઉત્પાદનાના સોળ દોષો એમ બત્રીસ દોષો ટાળીને શુદ્ધ આહારની ગવેષણા-તપાસ કરવી જોઈએ, એષણાના દશ દોષો ટાળીને ગ્રહણ એષણા-આહારગ્રહણ કરવો જોઈએ અને માંડલીના પાંચ દોષો ટાળીને ગ્રાસએષણા-આહાર વાપરવો જોઈએ. આ રીતે શુદ્ધ આહાર દ્વારા શરીર ટકાવવું જોઈએ, પણ દોષિત આહારથી શરીરને ટકાવવાની લેશ પણ ઈચ્છા કરવી ન જોઈએ.
શ્રી તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે “સંયમની આરાધનામાં શરીર ટકી રહે તે માટે સાધુએ નિર્દોષ આહાર ગ્રહણ કરવો જોઈએ, પણ શરીરના બળ, રૂપ, કાંતિ વધારવા માટે આહાર ન લેવો.”
વર્તમાનમાં સાધુ-સાધ્વીજીઓમાં પિંડશુદ્ધિ અંગેનું જ્ઞાન જોઈએ તેવું સંતોષકારક જોવામાં આવતું નથી. કેટલાકે પિંડનિર્યુક્તિ, પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા છતાં દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે, ત્યારે આશ્ચર્ય થાય છે કે “સુદુર્લભ મનુષ્ય ભવ તેમજ સંયમને પામીને શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા (દોષિત આહાર ન લેવાય) જાણવા છતાં શુદ્ધ પિંડની ગવેષણા કરવામાં થોડું કષ્ટ સહન કરવાને બદલે દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે.” જો કે કેટલાક મહાનુભાવ સાધુ-સાધ્વીજીઓ શુદ્ધ પિંડની ગવેષણા કરી, શુદ્ધ આહાર વાપરવામાં ઉદ્યમવંત છે. પણ તેમની સંખ્યા અલ્પ પ્રમાણમાં છે.
આજે અનેક આત્માઓ સંસારનો ત્યાગ કરી ગુરુ મહારાજના ચરણોમાં સંયમ જીવનનો સ્વીકાર કરે છે. તેઓને ચારિત્ર-દીક્ષા આપવામાં આવે છે, પરંતુ દીક્ષા આપ્યા પછી પોતાની નિશ્રામાં આવેલા આત્માનું અધ:પતન થાય નહિ, આત્માનું કલ્યાણ થાય તે માટે જે ધ્યાન આપવું જોઈએ, જ્ઞાન આપવું જોઈએ, સંયમની શુદ્ધ આરાધના માટે પ્રેરણા કરવી જોઈએ તેના બદલે તે પ્રત્યે દુર્લક્ષ સેવાતું જોવામાં આવે છે. આખા સંયમનો જેના ઉપર આધાર છે તે આહારની શુદ્ધિ માટેનું પૂરું જ્ઞાન આપ્યા સિવાય ઝોળી, પાત્રા, તપણી આપી દઈ, “જાઓ, ભિક્ષા લઈ આવો.” આ સ્થિતિ ઘણા સ્થળે પ્રવર્તી રહેલ છે તે શોચનીય છે. કારણ કે, હજુ જેને ગોચરી કેમ લેવી, કેટલી લેવી વગેરેનું જ્ઞાન અને અનુભવ ન મળ્યો હોય તે નૂતન સાધુ-સાધ્વી કેવો આહાર લઈ આવે તે સહેજે સમજી શકાય એમ છે. આ
12