________________
४३६
अथ स्थानमुक्तासरिका
(૪) અભવ્યપર્ષદા - ચારિત્રધર્મને સ્વીકારવા અયોગ્ય પર્ષદા તે અભવ્ય પર્ષદ. પર્ષદા એટલે સમવસરણમાં તીર્થંકરની દેશના સાંભળનારા શ્રોતાઓ. સંભળાય છે કે જંભક ગ્રામના નગરની બહાર ભગવાન વર્ધમાનસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાર પછી ચાર નિકાયના દેવોએ મળીને સમવસરણની રચના કરી. ભક્તિ અને કુતૂહલથી આકર્ષાઈને આવેલ અનેક મનુષ્યો, દેવો અને વિશિષ્ટ તિર્યંચોને પોતપોતાની ભાષામાં સમજાય તેવી, અતિ મનોહર એવી મહાધ્વનિ વડે આચારના પાલન માટે જ ધર્મકથા થઈ, તેમાં કોઈએ પણ વિરતિનો સ્વીકાર ન કર્યો. આમ કોઈપણ તીર્થંકરની પ્રથમ દેશના નિષ્ફળ જાય તેવું પૂર્વે કદાપિ થયું નથી, માટે આ આશ્ચર્ય છે.
. (૫) કૃષ્ણ મહારાજાનું અપરકંકામાં ગમન :- નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ મહારાજાનું અપરકંકા રાજધાનીમાં ગમન થયું, આવી ઘટના પહેલાં ન થઈ હોવાથી આશ્ચર્યરૂપ છે.
સંભળાય છે કે ધાતકીખંડ સંબંધી ભરતક્ષેત્રની અપરકંકા રાજધાનીના સ્વામી પદ્મ નામના રાજાએ દેવના સામર્થ્યથી પાંડવોની ભાર્યા દ્રૌપદીનું અપહરણ કર્યું. આ બાજુ દ્વારકાવતી નિવાસી કૃષ્ણ વાસુદેવે નારદ દ્વારા તેનો વૃત્તાંત જાણીને લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની આરાધના કરી, તે દેવની સહાયથી પાંચ પાંડવોની સાથે બે લાખ યોજન પ્રમાણ લવણ સમુદ્રને ઉલ્લંઘીને પદ્મ રાજાને રણમાં વિશેષ મર્દન કરવા વડે જીતીને દ્રૌપદીને લઈ આવ્યા.
આ બાજુ ત્યાં કપિલનામના વાસુદેવ (તે ક્ષેત્રના) શ્રી મુનિસુવ્રત નામના (તે ક્ષેત્રના) જિનેશ્વર પાસેથી કૃષ્ણ વાસુદેવના આગમનની વાત જાણીને બહુમાન સહિત કૃષ્ણ મહારાજાના દર્શન માટે આવ્યા. તે સમયે કૃષ્ણ મહારાજા સમુદ્રનું ઉલ્લંઘન કરતા હતા, ત્યારે તેણે પાંચજન્ય નામે પોતાનો શંખ ફૂંક્યો, કૃષ્ણ મહારાજાએ પણ પ્રત્યુત્તરરૂપે પોતાનો શંખ ફૂંક્યો. આમ બંને વાસુદેવનો પરસ્પર થયેલો શંખનો ધ્વનિ સંભળાયો.
(૬) સૂર્ય-ચંદ્રનું મૂળ વિમાને અવતરણ - પરમાત્મા મહાવીરને વંદન કરવા માટે સૂર્ય અને ચંદ્ર શાશ્વત વિમાન સહિત દેવલોકથી (આકાશથી) મનુષ્યલોકની ભૂમિ પર સમવસરણમાં આવ્યા. અવતરણ કર્યું તે પણ એક આશ્ચર્ય છે. (મૂળ વિમાને દેવો આવતા નથી.)
(૭) હરિવંશની ઉત્પત્તિ :- હરિ નામના પુરૂષનો વંશ તે હરિવંશ... વંશ એટલે પુત્રપૌત્રાદિની પરંપરા... આવા પ્રકારના કુલની જે ઉત્પત્તિ તે હરિવંશ-કુલોત્પત્તિ... કુલ તો અનેક પ્રકારે છે, આથી હરિવંશ વડે વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય જ છે. સંભળાય છે કે ભરતક્ષેત્રની અપેક્ષાએ ત્રીજા હરિવર્ષ નામના યુગલિક ક્ષેત્રમાંથી કોઈક પૂર્વભવના વિરોધી વ્યંતર દેવે એક યુગલિક ભરતક્ષેત્રમાં મૂક્યું. તેના વડે પુણ્યના પ્રભાવથી રાજય પ્રાપ્ત કરાયું, તેથી હરિવર્ષક્ષેત્ર વંશમાં થયેલ હરિ નામના પુરૂષનો વંશ તે હરિવંશ.