________________
૬૩૯
વેદનાથી મૂંઝાવું નહીં. દેહમાં જે દુઃખ દેખાવ દે છે, તે દેહનો ધર્મ છે; તેને જાણનાર આત્માનો, વાંકો વાળ પણ તે કરી શકે, તેવી તેનામાં શક્તિ નથી. આત્માને હાનિ કરનાર મોહ છે. તેને વશ કરવા માટે સદ્વિચાર, સદ્ગુરુનું શરણ અને સમભાવે સહન કરવું એ ઉત્તમ ઉપાય છે, તે વારંવાર સ્મૃતિમાં લાવવા માટે જાગ્રત રહેવું. (બો-૩, પૃ.૧૦૧, આંક ૯૩)
આપના પિતાની ગંભીર માંદગી જાણી, કરુણાભાવે બે અક્ષર લખવા વૃત્તિ થઇ છેજ.
સુપુત્ર, સદા, પિતા પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી, તેમના આત્માનું હિત કયા પ્રકારે થવું સંભવે છે એનો વિચાર કરી, પોતાની શક્તિ પ્રમાણે તેમને સમાધિમરણમાં સહાય મળે, તેવા વિચાર કરે છે, વાંચી સંભળાવે છે તથા વાતચીત દ્વારા તેમની વૃત્તિ બાહ્યભાવમાં ફરતી હોય, તે ધર્મ પ્રત્યે વળે તેવી યોજના કરે છેજી.
તેમના શરીર-આરોગ્ય માટે તો દવા, ચાકરી વગેરે કરતા હશો; પરંતુ તેમના આત્માને શાંતિ થાય, સગાં, કુટુંબી, ધન, જ્ઞાતિ આદિ પ્રત્યેનો મોહ દૂર થઇ, પરભવમાં સહાયરૂપ નીવડે તેવાં દાન, ભક્તિ, સત્શાસ્ત્રના શ્રવણરૂપ નિમિત્તથી, શુભભાવમાં તેમનું મન વળે, તે લક્ષ રાખવા નિઃસ્વાર્થભાવે સૂચના છેજી.
સમાધિસોપાન ગ્રંથમાંથી છેલ્લું પ્રકરણ ‘સમાધિમરણ' પૃ.૩૨૫થી છે, તે ક્રમે કરીને પુસ્તક પૂરું થાય ત્યાં સુધી, તેટલી તેમને ધીરજ રહે તો, સંભળાવવા યોગ્ય છેજી. જો તેટલો વખત લાંબો લાગે તો, પૃ.૩૫૫થી થોડું-થોડું નિયમિત વાંચી સંભળાવશો તો તમને અને તેમને, બંનેને હિત થવું સંભવે છે.
જેમના ઉપ૨ તેમને મોહ રહેતો હોય, તેમનો પરિચય ઓછો થાય તે પણ હિતકારી છેજી. વૈરાગ્ય-ઉપશમ અને છૂટવાની ભાવના પોષાય, તે આ ભવમાં તથા પરભવમાં લાભનું કારણ છેજી.
‘‘ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.''
ભાવ એ જ, સંસારથી તરવાનું કે સંસારમાં બૂડવાનું કારણ છે, અને સારા ભાવ તો સારાં નિમિત્ત વિના બનતા નથી. તેથી જો આપના પિતાના આત્માનું હિત સાચા હ્રદયે ઇચ્છતા હો તો, તેમને પરમપુરુષના માર્ગ પ્રત્યે રુચિ થાય કે સાંભળવાનું નિમિત્ત બને, તેવી કંઇક ગોઠવણ રાખતા રહેવા નમ્રભાવે, નિષ્કારણપણે વિનંતી છેજી.
એ ઉત્તમ કાર્યમાં જો ત્યાંના મુમુક્ષુ ભાઇબહેનોની તમને જરૂર જણાય તો પૂ. વગેરેને જણાવશો તો તે ઘણી ખુશીથી કોઇ-કોઇ, વાંચવા કે ભક્તિનાં પદ વગેરે અર્થે તમારે ત્યાં આવશે. મૂળ આધાર તો, તમારા પિતાના ભાવ તથા તમારા અંતરમાં તેમના આત્માનું હિત થાય તેવી લાગણી હોય, તેના ઉ૫૨ છે. ગંભીર પ્રસંગ છે, તો ગંભીરપણે વિચારી તેમના આત્માને ધર્મભાવ તરફ કરવા જે પ્રયત્ન કરશો, તે ખરી આખર વેળાની ચાકરી છેજી.
બાકી બીજી મોહની વાતો તેમની આગળ કરી, સંસારમાં વૃત્તિ હોય તેને પોષ્યા કરશો તો તેમના શત્રુની ગરજ તમે સારશો. માટે વિચારવાનને ઘટે તેવી રીતે, આ પ્રસંગનો લાભ લઇ લેવા અને બને તેટલો લાભ, તમારા પિતાને આપવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૩૬, આંક ૪૫૬)