________________
[]
૪૬૧
આત્મા એક છે કે અનેક, તેની કંઇક તુલના કરવાયોગ્ય શક્તિ થયે, સત્સંગ વિશેષ થયે અને શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વિશેષ કાળજીથી વાંચ્યું, સમજાય તેમ છે; એટલે હાલ ધીરજ રાખી, રૂબરૂમાં સમાગમે સમજાશે એવી ધારણા રાખી, સત્પુરુષાર્થ વધાર્યા જવા ભલામણ છેજી.
હાલ જે પુસ્તકો પાસે હોય તે મધ્યસ્થદૃષ્ટિથી, ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ અર્થે વાંચવા-વિચારવાનું કરશો તો સિદ્ધાંતિક વાતો યોગ્યતા આવ્યે, સહજ પ્રયાસે સમજાઇ રહેશેજી. (બો-૩, પૃ.૩૯૧, આંક ૩૯૭) ‘‘લઘુગુરુ દેહ પ્રમાણે ચેતન સંકોચ-વિકાસશાળી છે, અસમુદ્દાત વ્યવહારે, નિશ્ચયનયથી અસંખ્યદેશી છે.''
જીવ (ચૈતન્ય) વ્યવહારથી નાના-મોટા દેહને અનુસરીને સંકોચ-વિકાસરૂપ બને છે. માત્ર સમુદ્ધાત નામની (દેહ તજ્યા વિના આત્મપ્રદેશોને દેહ બહાર ફેલાવવારૂપ) ક્રિયામાં સંસારી જીવ દેહપ્રમાણ નથી રહેતો અને નિશ્ર્ચયથી તો અસંખ્યાતપ્રદેશી આત્મા ત્રણે કાળ રહે છે. (દ્રવ્યસંગ્રહ)
આપનો પત્ર મળ્યો. પૂ. .ને શંકા રહે છે કે જીવ સંકોચ-વિકાસનું ભાજન છે, એ કેમ બને ? આત્મા તો અરૂપી છે.
તેનો ઉત્તર યથામતિ લખતાં પહેલાં જણાવવું જરૂરનું છે કે આવા સિદ્ધાંતબોધરૂપ પ્રશ્નો સમજવા, નિર્ણય કરવા પ્રથમ ઉપદેશબોધની ઘણી જરૂર છે; ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય એટલે જેને આ સંસાર અસાર, અશરણરૂપ, જન્મમરણનાં દુઃખથી ભરેલો અને તેમાં ક્યાંય સુખ નથી એમ જાણી, વહેલામાં વહેલી તકે તેથી મુક્ત થઇ, એક આત્મહિત જ આ ભવમાં કરી લેવું છે, એવી દાઝ ન જાગી હોય, ત્યાં સુધી અરૂપી એવા આત્મા સંબંધી વાતો કરે કે સાંભળે, તે અજાણી ભાષાનું ગીત સાંભળ્યા જેવું છે; કંઇક કર્ણપ્રિય લાગે પણ ભાવ સમજાય નહીં; એટલે મારે-તમારે, બંનેએ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે અને વૈરાગ્યાદિ કારણોથી વિચારની નિર્મળતા થતાં, સહજમાં સમજી જવાય તેવી દશા પ્રાપ્ત થવા યોગ્ય છેજી.
હાલ તો આપની શંકા દૂર થાઓ કે ન થાઓ પણ ચિત્તસમાધાન થવા અર્થે, ઘણું જ ટૂંકાણમાં લખું છું, જે ઉપર વિચાર કરવાથી બુદ્ધિને સંતોષ થવા સંભવ છેજી.
વેદાંત-સિદ્ધાંત અને જિન-સિદ્ધાંતમાં ભેદ છે. વેદાંત એક જ આત્મા સર્વવ્યાપી માને છે. જિનભગવાન આખું વિશ્વ (લોક) ઠસોઠસ કાજળની કૂપીની પેઠે જીવોથી ભરેલું વર્ણવે છે, એટલે ત્રણે લોક જીવથી ભરેલા છે. તેને જીવજાતિ અપેક્ષાએ કહીએ તો ચૈતન્યસાગ૨રૂપ આખું વિશ્વ કહેવાય.
કોઠીમાં ઘઉં ભર્યા છે એમ કહીએ કે ઘઉંની કોઠી કહીએ, એ બંને જેમ સરખું છે; સર્વ ઘઉંના દાણામાં એક જ પ્રકારનો સરખો ગુણ છે તેમ સર્વ જીવ ચૈતન્ય અપેક્ષાએ સરખા છે; પણ ચૈતન્ય અરૂપી છે અને કર્મ પ્રગટ દેખાય છે, તેને લીધે વિવિધતા જણાય છે. તે કર્મ ટળી જતાં પણ બધા આત્મા એકરૂપ થઇ જતા નથી પણ સર્વ મુક્ત જીવ શુદ્ધસ્વરૂપે સ્વસ્વરૂપમાં રહે છે. આ એક સામાન્ય વાત કહી.
જ્યાં સુધી જીવને કર્મનો સંગ છે, ત્યાં સુધી જીવને કોઇ ને કોઇ દેહમાં રહેવું પડે છે અને કર્મને આધીન દેહ - જન્મ, બાળ, યુવાન, વૃદ્ધ અને મરણની અવસ્થાવાળો જણાય, તે વખતે તે તે દેહના ફેરફારો પ્રમાણે જીવ તેમાં રહેલો છે. તે સ્પષ્ટ નાના-મોટા વિસ્તારવાળો દેખાય છે.