________________
૪૫
તેમાં જ વૃત્તિ રહે, તેમ પુરુષાર્થ અવકાશે કરતા રહેવાની જરૂર છે. વર્ગમાં હોઇએ ત્યારે જે શીખવાનું હોય, તેમાં લક્ષ રાખવાથી પાછળથી વધારે વાંચવું કે ગોખવું ન પડે, તે પણ વખત બચાવવાનો ઉપાય છે. નપાસ થવાય તેવું શા માટે વર્તવું કે તેનો ખેદ આગળ-પાછળ રહે ?
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.''
આત્માર્થીએ આત્મા પ્રત્યે પ્રેમ રાખવો ઘટે છે, પણ તેથી કરવા યોગ્ય કામ બગાડવાં એવો અર્થ થતો નથી. (બો-૩, પૃ.૩૦૭, આંક ૨૯૪)
કળિકાળ અને અસત્સંગના ઘેરાવામાં જીવ બળ કરે તો જ ધર્મમાં વૃત્તિ રાખી શકે. સત્શાસ્ત્ર, ભક્તિ, સ્મરણ અને સ્વાધ્યાય એ હાલ ઉપયોગી છેજી.
પહેલાં શીખેલું ભુલાઇ ગયું હોય તે તાજું કરી લેવું અને રોજ નવું શીખવાનો, ગોખવાનો અમુક વખત રાખવો. અમુક વખત વાંચવા-વિચારવાનો રાખવો. બને તો પુસ્તકમાં જોઇ-જોઇને લખવાનો મહાવરો, ટેવ રાખવા યોગ્ય છેજી; તેથી ચિત્તની એકાગ્રતા અને વિચાર કરવાનો અવકાશ પણ મળશેજી. જે મુખપાઠ ક૨વું હોય તે જ લખવાનું રાખવાથી, થોડી મહેનતે યાદ પણ રહે તેમ છેજી.
ગમે તે પ્રકારે, કાળ, જ્ઞાનીનાં વચનો વાંચવા, લખવા, વિચારવા કે મુખપાઠ કરવામાં જાય અને સમજીને ભાવની વૃદ્ધિ થાય, નિર્મળતા થાય તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૦૦, આંક ૫૩૭)
D વિશેષ વાંચનનો વખત ન મળતો હોય તો જે મુખપાઠે કર્યું છે, તેના વિચાર ટ્રેન વગેરેમાં મુસાફરી કરતાં કે ફરવા જતાં પણ ચાલુ રહે એવી ટેવ પાડશો તો આ મુશ્કેલી, એક સારી આદત બેસાડવારૂપ ઉપકારકર્તા નીવડશેજી.
બીજું કંઇ ન બને તો સ્મરણમાં વારંવાર વૃત્તિ રાખતા રહેવાથી, ઘણાં કર્મથી બચી જવાનું કારણ થાય તેમ છેજી.
ભલે ઉપાધિપ્રસંગ વધતો જાય પણ આપણું વીર્યબળ વધારવાનો પુરુષાર્થ, આપણે વિશેષ જાગ્રત કરતા રહેવાની જરૂર છેજી; નહીં તો આ કાળમાં પરમાર્થનું કામ પડયું રહે અને નિષ્ફળ પ્રવૃત્તિઓમાં આખું જીવન વ્યતીત થાય તેવો વખત આવી લાગ્યો છે. માટે ‘ચેતતા નર સદા સુખી' કહેવાય છે, તેમ કાલે શું થશે તેની ક્યાં ખબર છે ?
માટે વૈરાગ્યની વૃદ્ધિ કરી, સંસારને જાળરૂપ જાણી, મનની વૃત્તિ નિવૃત્તિ તરફ વારંવાર વળે, પરમશાંતિપ્રેરક પરમકૃપાળુદેવની શાંત, વીતરાગ મુખમુદ્રા સ્મૃતિમાં આવે, તેમ લક્ષ લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૬૨, આંક ૪૮૪)
D રોજ ભાવપૂર્વક ભક્તિ થતી હશે. એકાદ વાક્ય પરમકૃપાળુદેવનું, ભક્તિ કરીને વાંચવાનું રાખવા ભલામણ છેજી.
તે વાક્યમાં તે મહાપુરુષને શું જણાવવું છે, તે વિચારવા આજનો અવકાશનો વખત ગાળવો છે, એમ લક્ષમાં રાખવું અને બે-પાંચ મિનિટ દુકાન પર, રસ્તામાં કે ઘેર મળે તે વખતે, તે વાક્યની સ્મૃતિ કરી, તે ઉપર બને તેટલો વિચાર કરવો.