________________
૨૩૯
નરકમાં પણ જીવને સમકિત થાય છે. ત્યાં જીવને જાતિસ્મરણજ્ઞાન થાય, તેથી મનુષ્યભવમાં જ્ઞાની મળ્યા હોય અને પોતે કંઇ કર્યું ન હોય તો એમ થાય કે અહો ! મને જ્ઞાની મળ્યા છતાં મેં કંઇ ન કર્યું. એમ પશ્ચાત્તાપ કરતાં જીવને ખોટું તે ખોટું અને સાચું તે સાચું લાગે. (બો-૧, પૃ.૩૫૧, આંક ૫૭) પ્રશ્ન : આ કાળમાં સમ્યક્દર્શન હોય ?
પૂજ્યશ્રી : હા, હોય છે. પહેલું સમ્યક્દર્શન હોય, પછી ચારિત્ર આવે છે. પછી મોક્ષ થાય. (બો-૧, પૃ.૨૫૭, આંક ૧૬૧)
પ્રશ્ન : સમ્યક્ત્વ તાકીદથી કેમ થાય ?
પૂજ્યશ્રી : સાવધાન થવું, ગાફલ ન રહેવું. જેવું છે, તેવું માનવું તેમ જ જોવું. ‘‘મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.’' (૮૨૬) નિશ્ચય કરે તો પછી તેના ઉપાય શોધે. કેમ થતું નથી ? એમ શોધે. કામ કરવું હોય તેની કાળજી રાખે તો વહેલું થાય. ‘‘વ્યાપારાદિમાં કાળજી રાખો છો, પણ ધર્મમાં કાળજી કેમ નથી રાખતા ? કેમ તમારા દહાડા ઊઠયા છે ?'' એમ પ્રભુશ્રીજી વારંવાર ઠપકો આપતા. (બો-૧, પૃ.૧૮૪, આંક ૫૫)
પ્રશ્ન : સમ્યક્ત્વ આવે ત્યારે શું થાય ?
પૂજ્યશ્રી : જન્મમરણ છૂટવાનું થાય. સમ્યક્ત્વ આવે ત્યારે સુખ થાય. પરમકૃપાળુદેવે કહ્યું છે કે ‘શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી.'' (ઉપદેશછાયા પૃ.૬૯૦) દેહને દુઃખ છે, પણ આત્માને નથી.
સમ્યક્ત્વીને ઇન્દ્રિયસુખ પણ ન ગમે. જેણે એ માર્ગ જાણ્યો છે, તે કહે છે કે અગ્નિમાં બળવું સારું, પાણીમાં ડૂબી જવું સારું પણ સમ્યક્ત્વ વગર રહેવું સારું નહીં.
સમ્યક્ત્વ આવે ત્યારે કોઇ પ્રકારનો ભય ન રહે. નિર્ભય, નિઃશંક થઇ જાય, નિર્વિચિકિત્સા આવે, બીજાના દોષો ઢાંકે, પ્રભાવના કરે એવા ગુણો પ્રગટે છે. આત્મા શું હશે ? કેવો હશે ? એવી શંકા
ન થાય.
સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ ઃ (૧) પ્રભાવના થવાની ભાવના. (૨) હેયને હેય અને ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરવા યોગ્ય સમજે. (૩) ધી૨જ. (૪) સમ્યક્ત્વપ્રાપ્તિમાં હર્ષ. (૫) તત્ત્વવિચારમાં પ્રવીણતા. (બો-૧, પૃ.૧૫૧)
ગમે તેટલાં શાસ્ત્રો શીખેલો હોય, તપ કરતો હોય, સંયમ પાળતો હોય, પણ સમ્યક્દર્શન ન હોય તો પથરાના ભાર જેવું છે; અને જો સમ્યક્દર્શન હોય તો એ રત્ન જેવાં છે. જેમ કોઇ મોટો પથરો લઇ વેંચવા જાય તો બે-ચાર આના મળે અને કોઇ એક નાનું સરખું રત્ન લઇને જાય તો કરોડો રૂપિયા મળે; તેમ સમ્યક્ત્વ હોય તો બધાં વ્રતો રત્ન જેવાં છે; નહીં તો ભારરૂપ છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૮)
D ક્રોધ, માન, માયા અને લોભ દિવસે-દિવસે ઓછાં કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેને સમકિત, સાચી શ્રદ્ધા પ્રગટ કરવાની ભાવના હોય તેણે –
‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.''