________________
(૧૫) હે નાથ ! આ દીન બાળકની વંદના, અંતરના ઉમળકાથી સર્વ દોષની ક્ષમાની યાચના અને સર્વ દોષથી મુક્ત થવાની ભાવના આપના ચરણકમળ પ્રત્યે પ્રાપ્ત થાઓ. હું અબુધ અને અશક્ત છું. એક આપના આશ્રય સિવાય કંઈ સંસારમાં શોધવા જેવું નથી લાગતું. આપનું શરણ ભવોભવ હો ! હે નાથ ! સર્વ પ્રકારનું માન, સર્વ પ્રકારનું અયોગ્ય વર્તન અને અયોગ્ય ભાવના દૂર કર અને દીનતાથી આ ર્દયને ભર. ખરેખર જગતના કોઈ પણ પદાર્થમાં રાગ-દ્વેષ અને મોહ કરવા જેવું નથી તો આ અલ્પ સામગ્રીમાં અહંભાવ કરી, મમતાભાવ કરી આત્માનું હું અનિષ્ટ કરી રહ્યો છું તે હર પળ યાદ આવતું નથી, તે તારી કૃપાથી સર્વ સવળું કર અને ચિત્તને તારા ચરણકમળમાં રાખ. હે નાથ ! વિશેષ શું કહું ? સર્વ આપ જાણો છો અને તેથી જ મને મોક્ષને માર્ગે દોરો તે સિવાય કોઇ પણ ઇચ્છા દિલમાં ન રહો !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
(બી-૩, પૃ.૩૩, આંક ૧૯) પરમ ઈષ્ટ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવાનને ત્રિકરણ યોગે નિરંતર સમયે સમયે સમસ્ત સમર્પણભાવે નમસ્કાર હો!
સર્વ જ્ઞાનનું મૂળ, રાજચંદ્ર પ્રભુ આપ છો, તુજ આજ્ઞા અનુકૂળ, આસ્થા વર્તન મુજ હો. દોષ કરો સૌ દૂર, દોષથી દાસ ભરેલ છે, ક્ષમાવંત મશહૂર, પરમ કૃપાળુ બિરુદ છે. પ્રશ્ન એક લઈ આજ, આપ ચરણમાં આવીયો, રાખી મારી લાજ, કહેનારો તો કહી ગયો. અઠ્ઠાઈ મહોત્સવ પર્વ, ભાદ્રપદ પૂનમ લગી,
મારે મન તું સર્વ, આત્મભાવના રહો ઝગી. પરમપ્રિય પરમાત્મસ્વરૂપમાં પરમોત્કૃષ્ટભાવે લીનતા કરનાર આપ પ્રતાપી પરમપુરુષના ચરણકમળમાં આ અવિનીત અજ્ઞાની અનંત દોષને ઉપાસતા, શુદ્ર, બહિરાત્મભાવને ભજતા આત્માને અનંતવાર ધિક્કારી, ખરા અંત:કરણથી આપ પ્રભુનું સંમત કરેલું સર્વ સંમત કરવાની દૃઢ બુદ્ધિથી અને આપની આજ્ઞામાં નિરંતર વર્તવાની દ્રઢ બુદ્ધિથી વર્તન કરવાની નિશ્વલવૃત્તિએ, આજે અંતરાત્માની સાક્ષીએ, આપ પરમાત્મસ્વરૂપને અતિ વિનીતભાવે આજ સુધી થયેલી અનંત વિરાધનાઓની ક્ષમા ઈચ્છી, હવેથી આપની સમીપ જ રહેવાના ભાવે ચરણ ગ્રહી તન્મયભાવે નમસ્કાર કરું છું, તે હે પરમકૃપાળુદેવ, કૃપાવંત થઇ સ્વીકારવા નમ્ર અરજ રજૂ કરું છુંજી સ્વામી. એક પ્રશ્ન સહજે ગઈ કાલે એકાએક અણધાર્યો દયમાં સ્ફર્યો અને અનંતર તેનો ઉત્તર પણ થઈ ગયો. તે વિશેષ સ્પષ્ટ થવાની ઇચ્છાએ આજ પ્રભાતે આપ પ્રભુના ચરણમાં સ્વચ્છેદરહિત વિચારી વિસ્તારપૂર્વક રજૂ કરવાની ઇચ્છા ઉદ્ભવવાથી દર્શાવું છું પ્રભુ.