________________
|
પ્રશ્ન : મરણ સમયે સામાન્ય મનુષ્યોને ઘણી જ વેદના દેખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ સ્વર્ગના દેવોને સુદ્ધાં નરકના કરતાં વધારે વેદના અંત સમયે અનુભવાય છે એમ (આદિપુરાણમાં) વર્ણન કરેલું છે, તેનું કારણ શું હશે? હજી ફરી તે જ પ્રશ્ન પૂછું છુંજી. હરેક ચીજ અમારી આજુબાજુ ઉત્પાદ, સ્થિતિ અને વ્યય થતી જોવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતી વખતે તે પોતાનું પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરતી જણાતી નથી. જેમ સૂર્ય, ઉદય વખતે વિશેષ ગરમી આપતો જણાતો નથી, તેમ વળી મધ્યમાં સ્થિત હોય છે ત્યારે તે, સંપૂર્ણ પોતાનો સ્વભાવ જણાવે છે અને અંતે, જોર નરમ પડેલું લાગે છે. બીજું દ્રષ્ટાંત ઘટ પટનું લઇએ. ઉત્પન્ન થતાંમાં બંનેમાં મજબૂતાઈ ટકાઉપણું બહુ જ ઓછું હોય છે - કાચી માટી અને સૂતરના તાંતણારૂપે, પણ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેના ટકાવ અને મજબૂતીમાં બંને સબળ જણાય છે. પછી
જ્યારે ઘસારો લાગતાં તેમની આખર અવસ્થા આવે છે ત્યારે તેમાં કાણાં, તરાડ કે ફાટફૂટ થઈ નાશ થવાની અણી પર આવે છે. તેમ જ આ દેહની સ્થિતિ જણાય છે. છતાં આયુષ્યમાં એવું શું છે કે તે શરૂઆતમાં વધારે દુ:ખ આપે છે, વધારેમાં વધારે અંતે દુ:ખ આપે છે અને મધ્યકાળે જુવાનીમાં તે ઓછું દુઃખ આપે છે? (બી-૩, પૃ.૩૪, આંક ૨૦) અનન્ય શરણના આપનાર એવા પરમોપકારી પરમ વલ્લભ શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પદપંકજમાં સવિનય અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો!
શિરછત્ર છો પ્રભુ ભક્તના સંકટતણી વર્ષા સમે, તુજ ચરણ શરણે જાય તેના તાપ ત્રિવિધિના શમે; સંતોષ શાંતિ ને ક્ષમા વળી સહનશીલતા ત્યાં વસે,
સુખસિધુમાં સૂતો પ્રભુ મન મગ્ન મુજ તુજ પદ વિષે. શાંતિના સ્વામી જગદીશશ્વર પરમાત્માના સર્વ સંશય સંકટહારી પરમ પુનિત ચરણકમળમાં ત્રિવિધ પરમ વિનયભાવે સર્વાર્પણપણે નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! હે નાથ ! સંસારસાગરથી તારનાર તારા પવિત્ર નામનું નિરંતર સ્મરણ રહો ! સહજાત્મસ્વરૂપ સંપૂર્ણતાના સ્વામી! તારી નિકટતાનો માર્ગ વિકટ છે. મરણ સર્વને માથે છે અને મરણને માથે સંકટનું પોટલું છે, તે જોઈને તેને ભેટનાર ત્રાસે છે, વિપત્તિ પામે છે, અસહ્ય વેદના દેખે છે, બેભાન બની જાય છે તો પણ ક્ષણે ક્ષણે આ જીવ તે મરણને શરણે થવા દોડી રહ્યો છે.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહો રાચી રહો ?'' આ ચિત્ર ચિત્તના ચિત્રપટ પર કાયમ રહે તો જીવ પોતાનો સ્વભાવ પરમાનંદસ્વરૂપ જ્યાં સર્વ સંશય અને સર્વ દુઃખનો નાશ છે ત્યાં જ વાસ કરે અને ત્યાંથી તેને કોઈ કાઢી મૂકે તેમ નથી. છતાં અનાદિનો જે અધ્યાસ - દેહાધ્યાસ પડી રહ્યો છે, જે ઋણરૂપે આવી ખડું થાય છે અને તેમાં રાચવા લાગે છે અને એ જ જીવની ભૂલ છે. સમાધિમરણમાં વિઘ્ન કરનાર તો તેની કલ્પના જ છે. તે જાય તો સહજ સ્વાભાવિક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ બાકી રહે. કલ્પના અંતે પણ જવી જે મુશ્કેલ એવી કલ્પનાની કલ્પના અનંતમા ભાગે જેણે નાશ કર્યો તેવા પરમ વીર્યવંતા પરમપદ ભોગી પરમાત્માને સર્વભાવે નમસ્કાર !