________________
૧૫૭
આપે, તેને મૂકી દેહ
ગંધાતો છે તેને પોતાનો માને છે ! દેહ પ્રત્યે મૂર્છા ન હોય તો જાડો, પાતળો, ગોરો, કાળો હોય તોય કંઇ ન લાગે. મમતા છૂટી તો પછી ગમે તેવો દેહ રહે તોય શું ? દેહ તો એક માથે ભાર છે.
દેહથી આત્મા ભિન્ન છે. આ દેહથી હું ભિન્ન છું, એવું થયું નથી. પારકી પંચાતમાં બધા ભવ ગાળ્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ એક નિર્ધાર કરી મૂકવો. વ્યવહાર કરતાં એ ભૂલી ન જવાય, એવું કરવું. અમારે-તમારે-બધાને આ વાત દૃઢ કરી, હ્દયમાં કોતરી રાખવાની છે. જુદું તે જુદું જ, એમ માનવું. જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે, એ જ વારંવાર લક્ષમાં રાખવું.
ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ દેહથી આત્મા જુદો છે. એ લક્ષ જીવને રહે તો સાવ સહેલી વાત છે. ચોંટી જવું જોઇએ. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે આત્મા જુઓ, તો પ્રભુશ્રીજીને એવું ચોંટી ગયું કે ત્યારનો દિવસ અને આજની ઘડી, એમને એ છૂટયું નથી. એવું કર્યા વિના છૂટકો નથી.
જ્ઞાનીને જે કહેવું છે, તે બધું એકઠું કરીને આ કહ્યું કે દેહ તે આત્મા નથી. બધાં શાસ્ત્રોનું એ જ રહસ્ય છે. વાતો કરવાની નથી, પણ હૃદયથી એવું કરી નાખવું. (બો-૧, પૃ.૩૨૧, આંક ૭૨)
દેહ પ્રત્યે મોહ કરવાથી કંઇ લાભ નથી. બધા જ્ઞાનીઓએ દેહાધ્યાસ છોડયો છે. દેહને માટે દુ:ખી થવાનું નથી. આર્તધ્યાન થાય તો પાપ બંધાય. દેહને માટે આત્માને કર્મ બંધાવી અધોગતિમાં લઇ જાય, એવું કરવાનું નથી. આત્માનું હિત થાય તેની ચિંતા કરે તો સારું છે. હવે તો આત્માને માટે જ દેહ ગાળવો છે. દેહમાં ને દેહમાં વૃત્તિ રહે તો આત્મા ભણી વૃત્તિ જાય નહીં. અનંત ભવ ગયા તોય દેહનું કામ થયું નહીં. માટે દેહની પંચાત છોડી, આત્માને માટે જ આ દેહ ગાળવો છે, એવો
નિશ્ચય કરવો.
શરીરમાં જ વેદના થાય અને માને કે મને થાય છે, એમ માન્યતામાં ભૂલ છે. દેહના ધર્મને પોતાનો માને છે. શરીરમાં વૃત્તિ જાય તે ખોટું છે, એમ સમજણ હોય તો થાય. વિવેકબુદ્ધિ જાગી હોય, તેનો લક્ષ રાખે તો ભેદ પડી જાય. બધાં કર્મ જવાને માટે આવે છે, પણ અજ્ઞાનને લઇને નવાં બંધાય છે. આ આત્માને અજ્ઞાન છે, તેથી અનંતકાળથી ભટકે છે. એ અજ્ઞાન ક્યારે જશે ? એની ચિંતા કરવાની છે. જેને માટે ઝૂરવું જોઇએ, તેને માટે ઝૂરતો નથી. બહારની બહાર વૃત્તિ રાખે છે. આત્માનું માહાત્મ્ય નથી, તેથી બહારની બહાર વૃત્તિ જાય છે.
મરણ વખતે કોઇનો ઉપાય ચાલે એવો નથી, માટે ડરવું નહીં, શૂરવીરપણે રહેવું. પ્રાણ જાય એવો પ્રસંગ હોવા છતાં ‘થોડીક વાર જિવાય તો સારું.' એમ જેને ન થાય, એવા પુરુષ નમસ્કાર કરવા યોગ્ય છે. દેહની મૂર્છા છે, ત્યાં સુધી ભય વગેરે બધું છે. હું દેહ નથી, આત્મા છું, મરવાનો નથી એમ જેને દૃઢ થયું હોય, તેને પછી ભય શાનો
મિથ્યાત્વને લઇને ડર લાગે છે. એ જ આ ભવમાં કાઢવું છે. મિથ્યાત્વ હશે ત્યાં સુધી સુખ થશે નહીં; અને સમ્યક્ત્વ હોય તો, નરકની વેદના પણ સુખરૂપ છે. કર્મ બિચારાં બકરાં છે. આત્માથી બધાય ભિન્ન છે, આ જગતને અને મારે કશું લેવા-દેવા નથી, એમ થાય તો હિંમત આવે; તો પછી નિર્ભય થઇ જાય.