________________
૧૦૭
આ વર્ષોમાં કંઇક ધાર્મિક વાંચન પણ ચાલતું અને તેને પરિણામે તથા ગ્રેજ્યુએટની યુનિવર્સિટીની ડિગ્રીના બળે એટલી આત્મશ્રદ્ધા આવેલી કે દુનિયાના ગમે તે છેડામાં રહેવાનું ભાગ્યમાં હોય, પણ કુટુંબ ચલાવવા જેટલી આજીવિકા પ્રાપ્ત કરવામાં કદી દીનતા કરવી નહીં પડે, પણ મારી યોગ્યતા અને શ્રમથી ગમે તે કાળે પાછળનું બધું કર્યું-કરાવ્યું ધૂળ થઇ જાય તોપણ દુનિયાને લાત મારીને પણ મારા અને કુટુંબના નિર્વાહનાં સાધનો હું મેળવી શકીશ; તથા આ ભવમાં લાખ મળવાના નથી અને લખેસરી થવાના નથી તો પૈસા માટે નકામાં ફાંફાં મારવામાં શો માલ છે ? એમ પણ કંઇક મનમાં રહેલું, તેથી સંતોષ રહેતો અને રહે છે.
આ શ્રદ્ધાના બળે તથા સુધારક વાતાવરણની અસરમાં મેં મનમાં નક્કી કરેલું કે મારે બાપોતી મિલકતમાંથી કાંઇ જોઇતું નથી. મિલકતની વહેંચણીમાં ઘણાં કુટુંબોમાં ભાઇઓ વચ્ચે તકરારો થાય છે, તે મારે નથી કરવી તથા પોતે ન કમાયા હોઇએ તેના ઉપર આપણો હક્ક કરવો, એ પણ મને અન્યાયપૂર્વક લાગેલું. બાપદાદાની મિલકત ઉપર કોઇનો અધિકાર હોય તો જે કમાઇ ન શકે તેવાં બૈરાં-છોકરાંનો હક્ક હોવો જોઇએ અને પુરુષોએ તો સિંહની પેઠે પોતાનો નિર્વાહ પોતાના પુરુષાર્થથી કરવો ઘટે છે. તેથી ઘરની મિલકત ઉપર મારો હક્ક મેં આ ભવનાં ઘણાં વર્ષો સુધી માન્યો નથી. આવા વિચારો હોવાથી મારી પાસેથી આથી વિશેષ આશા કોઇ રાખે તો તે પણ યોગ્ય નથી, એમ મને લાગતું.
કેળવણી માટે મારી પાછળ ખર્ચ થયો તે તો કુટુંબે કરવો જોઇએ એમ હું માનતો, કારણ કે કેળવણીના ખર્ચ ઉપરાંત મારે કુટુંબ પાસે કશું જોઇતું જ નથી, અને ભવિષ્યમાં છોકરાને કેળવણી પાછળ ખર્ચ કરવા માટે સહિયારી મિલકત રહે તેટલા પૂરતું મારા જરૂરના ખર્ચ ઉપરાંત જે કંઇ બચે, તે બાંધણી મોકલવા મેં વિચાર પણ રાખેલો, પણ તેમાંથી મારે પાછું કંઇ લેવું એવી આશા નહીં રાખેલી. તેની સાથે જુદું કંઇ બચાવી ખાનગી સિલક કરવાનો કે ઘરેણાં જેવું કરવાનો પ્રયત્ન પણ નથી કરેલો; કારણ કે સંધરો કરવો હોય તો કુટુંબના ધનમાં થવો જોઇએ એમ હું માનતો. જરૂર પડયે તેમાંથી માંદા-સાજા પ્રસંગે કે છોકરાંના ખર્ચ માટે તે બેન્ક હોય તેવી મારી સમજ હતી અને હજી છે; પણ તે બેન્કમાં પૈસા જમે કરાવવા તણાટ વેઠવો, કંજૂસાઇ કરવી એમ પણ માનેલું નહીં. માત્ર ખેતીમાં પાકેલા અનાજની કોઠી ભરી હોય તેમાંથી વાપરતાં-વાપરતાં વધે તેટલું તેમાં પડી રહે એવું માનેલું તથા તમે બધુંય ઉડાવી જાઓ એવા નથી એવી મારી ખાતરી પણ ખરી, એટલે જુદાપણાનો કે ખાનગી સિલક રાખવાનો મને વિચાર પણ નથી આવ્યો.
મારે બોજારૂપ કોઇને ન થવું અને સારો રસ્તો લાગે તે રસ્તે જીવન ગાળવું કે મરતી વખતે પસ્તાવો ન થાય, કે કોઇને દોષ પણ દેવાનો વખત ન આવે કે આનું મેં કહ્યું કરીને ગોદા ખાધા. આ વાત પૂર્વકર્મના બળે મારામાં ઘર કરીને રહેલી, પણ કોઇને હું ખુલ્લા શબ્દોમાં કહી શકેલો નહીં. તેથી હું સોસાયટીમાં જોડાયો, તે ઘણાંને, બાંધણીમાં અને સગાંઓમાં ગમેલું નહીં અને હું મારા પગ ઉપર કુહાડો મારવા તૈયાર થતો હોઉં તેમ બધા વડીલોને લાગેલું અને તમે મોટાભાઇ રહ્યા તેથી તથા કુટુંબની સહિયારી મિલકતમાંથી મોટી આશાઓ રાખી ખર્ચ કરેલું, તેમ જ હવે તમારે માથેથી કુટુંબ માટે કમાવાની ઝૂંસરી ઊતરશે એમ ધારેલું; તેથી તમારી બધી આશાઓ ઉપર પાણી ફરી વળેલું જણાતાં તમને વધારે માઠું લાગેલું; એટલે તમેય બાની પાસે કહેવડાવેલું કે આપણે આપણો ભાગ વહેંચી જુદા થઇએ; પણ તમને જે મોટી ધમકી તે વખતે લાગતી તે મારે મન તરણા જેવું હતું; એ ઉપર જણાવ્યું તે ઉપરથી હવે