________________
૧૦૬
અને મારી ઉંમરની સરખામણી કરતાં મને એમ લાગતું કે મારા કરતાં એ કેટલો બધો સુખી છે. મારે હજી બધો ભવ તરવાનો છે અને મારું શું થશે ? વગેરે વિચારોથી તો ઘણી વખત મને રોવું આવતું, અને ભીની આંખે ખડકીને ઓટલે બેઠો-બેઠો હું જતા-આવતા ડોસાઓને જોઇ રહેતો, તે હજી હમણાં જ બન્યું હોય તેવું તાજું મારા મનમાં છે.
તે ચિંતાઓનું પરિણામ મને દુ:ખ આપવા ઉપરાંત એ આવ્યું કે છોડી દીધેલો અભ્યાસ ફરી કરવા પ્રેરાયો. તે ઉપરાંત કોઇને મદદ કરનાર નીવડયું નથી. થોડાં વર્ષ પછી અભ્યાસ છોડીને કમાવાના વિચાર આવતા, ત્યારે પણ અભ્યાસ આગળ ચાલુ રાખવામાં એક કારણ એ પણ હતું કે વધારે અભ્યાસ થાય તો કંઇક ભવિષ્યની ચિંતાઓવાળું કામ મોડું કરવું પડે - સંસારની મુશ્કેલીઓ સાથે બાથ ભીડવામાં ઢીલ થાય છે તે ઠીક છે, એમ લાગતું. આ ઉપરાંત તે ચિંતાઓ વિશેષ ફળ લાવી હોય તેમ સ્મૃતિમાં નથી.
આમ ધુમાડીમાં બાચકા ભર્યા જેવી ચિંતાઓ કરવામાં બાકી રાખ્યું નથી, અને શરમાળ સ્વભાવને લીધે કોઇને કંઇ કહ્યું પણ નથી. ત્યાર બાદ અભ્યાસ પૂરો કરી ધંધે વળગવાનું આવ્યું તે પહેલાં તો જાણે કોઇ કલેકટરને વિલાયતથી હિંદમાં મોકલે તેની પહેલાં જ તેને માટે કારકુન, ઓફિસ, બંગલા અને સિપાહીઓ વગેરેની તૈયારી સરકાર કરી રાખે છે તેમ બધી ગોઠવણ જાણે ભગવાને કરી મૂકી હોય તેવું જ બન્યું હતું. મારે માટે ઘણા માણસોએ ઉજાગરા કરીને વિચારો કરી મૂકેલા અને ક્યાં કામ કરવું અને કેવી જાતનું કરવું તે બધું જાણે નક્કી થયેલું હોય તેમ મારે તો નથી કરવી પડી અરજી કે નથી જોવી પડી નોકરીની વાટ કે હુકમોની ટપાલ; પણ હાથનો અંગૂઠો કપાયેલો તે રુઝાયો તે પહેલાં મારે ક૨વાનું કામ ડોકિયાં કરી રહ્યું હતું. ક્યાં રહેવું કે કેમ ખાવા કરવું કે કેમ કુટુંબ ચલાવવું તેનું ભાન ન મળે, એવા મને અમીન લોકોની વચમાં પ્રભુએ લઇ જઇને મૂક્યો.
ત્યાં માત્ર સારું કામ કરવાની ઇચ્છા વગર બીજું કંઇ સાધન મારી પાસે હતું નહીં, છતાં નથી કોઇએ ઠપકો આપ્યો કે નથી કોઇની સાથે તકરાર થઇ કે ગૌતમ બુદ્ધને જે વિચારોએ સંસારમાં સુખે બેસવા નથી દીધા, તેવા જીવનની પ્રગતિ વિષેની ચિંતા વિના ઊનો વા એવી અજાણી જગ્યામાં નથી વાયો – તે માત્ર પૂર્વોપાર્જિત પુણ્ય અને પુણ્યાત્માઓના સમાગમને લીધે જ બનવા પામ્યું છે, એમ અત્યારે લાગે છે. નહીં તો તે વખતના દોષો તરફ જોતાં તો ભોંયમાં પેસી જવા જેટલી શરમ આવે છે અને હજીય દોષો નથી એમ નથી, પણ હવે દોષોને દુશ્મન જાણીને તેમની સાથે લડાઇ કરવી છે અને તે વખતે દોષરૂપી ઠગારાઓને મિત્ર માન્યા હતા એટલો ફેર છે.
સોસાયટીમાં હું જોડાયો તે મને તો હવા લઇએ છીએ એવું સ્વાભાવિક કામ લાગેલું. તમે તો મારા વિષે આશા રાખીને બેઠા હશો કે હવે હું સરકારના અને ગરીબોના પૈસા લૂંટનારો કે ધોળે દહાડે ધાડ પાડનાર લૂંટારા જેવો અમલદા૨ થઇશ કે કોઇ વહીવટદારની ખુરશી શોભાવીશ કે વકીલ થઇને વઢવાડો કરાવીને લોકોને જિતાડીને વખણાઇશ અને આપણા કુટુંબનું નામ કાઢીશ; પણ તેવા થવાનું આ શરીરે થઇ શકે એવું નિર્માણ નહીં થયું હોય; નહીં તો અભ્યાસ પૂરો કર્યા પહેલાંના ત્રણ-ચાર વર્ષ અગાઉ તો મારા પણ એ જાતના કંઇક વિચારો હતા; પણ તેવી નોકરી સાથે લોકોનું ભલું તેવા અમલદાર થઇને કરવાનું સાથે ધારેલું; પણ નોકરી શોધવી એ જ મારા શરમાળ સ્વભાવની વિરુદ્ધ હતું અને અભ્યાસનાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં વિચાર પલટાયેલા. તેથી સરકારી નોકરીની ગુલામી તો નથી જ કરવી એમ નક્કી કરેલું હોવાથી, ખાનગી નોકરી કરતાં સામાન્ય ગરીબાઇ ભોગવવી પડે તો તે વેઠી લેવાનો વિચાર પણ કરેલો.