________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
———
૩૨૩
થયો છે, હવે અલ્પ સમયમાં આ ધીર પુરૂષ શિવમાર્ગની સન્મુખ આવી શકશે.
આ પ્રમાણે વિચારી તે મહાત્મા મધુર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી પવિત્ર પરિણતિ જોઇ હું અત્યંત પ્રસન્ન થયો છું હવે આ સોપાનના દેખાવની સૂચનાઓ વિષે જે કાંઇ સમજુતી આપું, તે ધ્યાનમાં રાખજે. આ સુંદર સોપાન કે જે અપ્રમત્ત ગુણસ્થાનના નામથી ઓળખાય છે, તેની અંદર નિરાલંબન ધ્યાનનો પૂર્ણ રીતે સંભવ છે. જે આ પગથીઆની આસપાસ જ્યોતિના ચાર દિવાઓ છે, તે ચાર પ્રકારના ધ્યાનને સૂચવે છે. આ સ્થાનમાં વર્તનાર આત્માને મુખ્યપણે ચતુર્વિધ ધર્મધ્યાન હોઇ શકે છે. ધર્મધ્યાનના મૈત્રી પ્રમુખ, આજ્ઞાવિચય પ્રમુખ અને રૂપસ્થ પ્રમુખ ચાર ચાર ભેદ દર્શાવેલ છે. સર્વ જીવ સાથે પ્રેમભાવ ચિંતવવો. સર્વ જીવનું ભલું ચહાવું, સર્વ જીવ ઉપર હિતબુદ્ધિ રાખવી તે મૈત્રી. ગુણિજનનું તેમજ જ્ઞાનિ જનનું તેમજ જ્ઞાની પ્રમુખ ઉત્તમ જીવોના શુભકાર્યોથી તેઓનું બહુમાન કરવું, તેમને જોઇ હર્ષ ધરવો એ પ્રમોદ. દીન, તથા દુ:ખી પ્રાણીઓ તરફ દયા લાવવી તેનું શુભ ચિંતવન કરી તેઓનું દુઃખ દૂર કરવું અને અધર્મીને ધર્મ પમાડવાની અભિલાષા એ કરૂણા. અને હિંસાથી અધર્મ કરનારા પ્રાણી તરફ તેમજ દેવગુરૂધર્મની નિંદા કરનારા દુષ્ટ આશયવાળા જીવોનું બુરૂં નહિ ચાહતાં, તેઓ પોતપોતાને કર્મને વશ છે એમ વિચારી તેઓના ઉપર રાગદ્વેષ નહિ રાખતા મધ્યમ પરિણામે વર્તવું તે માધ્યસ્થ્ય. એ ચાર ભાવનાનો ધર્મધ્યાનમાં સમાવેશ થઇ જાય છે. બીજા આજ્ઞાવિચય વગેરે ચાર ભેદ છઠ્ઠા ગુણસ્થાનને પ્રસંગે કહેવામાં આવ્યા છે. ખાસ કરીને આ સોપાનના ઉપર ચાર પ્રકારનું ધ્યાન ઉપાદેય છે, તે સાવધાન થઇને સાંભળવા જેવું છે. પહેલું રૂપસ્થ ધ્યાન કહેવાય છે, જેની અંદર રૂપમાં રહ્યા છતાં પણ આ પ્રમાણે