________________
ચૌદ ગુણસ્થાનક ભાવ-3
૨૯૧
સકલ સાંસારિક સુખસમૂહથી અનંતગણું છે, દુઃખ લેશથી પણ અસંગૃક્ત અને અવિનાશી છે. વિશુદ્ધ ચારિત્રના પાલન વિના એ સુખ શક્ય નથી, વિશુદ્ધ ચારિત્રપાલનનો ઉપાય ભાષાવિશુદ્ધિ છે. ભાષાવિશુદ્ધિનો ઉપાય હિત, મિત, સ્તોક અને અવસરોચિત ભાષાવડે ગુણકર વાક્યોને બોલવાં, તે છે. ટૂંકમાં જે બોલવાથી રાગદ્વેષાદિ દોષો ઘટે, અને સમ્યગ્રજ્ઞાનાદિ ગુણો વધે તે જ બોલવું મુનિને અગર વિવેકીને યોગ્ય છે, એવો સર્વજ્ઞોનો ઉપદેશ છે.
સાધુ સાધ્વીએ સમજી લેવાની
ચાર જાતની ભાષા
શ્રમણ જીવનમાં ભાષાશુદ્ધિ એક મહત્વનું અંગ છે. જીવમાં ભાષાની શક્તિ બહુ થોડાને મળે છે. જગતમાં જેટલાને એ મળી છે એના કરતાં અનંતગુણા જીવોને એ નથી મળી. એવી ભાષાશક્તિનો જો ગેરઉપયોગ થાય તો અનર્થ પણ એટલો જ કરે છે ! ત્યારે સદુપયોગ કરવાથી લાભ પણ મહાન થાય છે !
પહેલાં ભાષા શી વસ્તુ છે એ જોઇએ.
ભાષા એ પાંચમી ભાષાવર્ગણાના પુદ્ગલમાંથી બને છે. આવા પોતાના કાયયોગથી એ પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનયોગથી છોડે છે તેનું નામ ભાષા છે. એ જીવ જ કરી શકે છે. ફોનોગ્રાફ વગેરેમાં સંભળાય છે તે તો શબ્દમાત્ર છે, ભાષા નથી. એ શબ્દ પણ મૂળમાં જીવના પ્રયોગ વિના બની શકતા નથી.
ભાષાવર્ગણાના પુદ્ગલ લેવા દૂર જવું પડતું નથી, જીવ જ્યાં રહ્યો છે તે જ આકાશ ભાગમાંથી તે મળે છે. જઘન્ય એક સમયથી માંડી ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા તે હોય છે. એને લઇને ભાષારૂપે છોડ્યા પછી એ બહાર જતાં બીજાં