________________
૨૭૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
વચનગુપ્તિ અને ભાષાસમિતિ એ અષ્ટ પ્રવચનમાતાની અંતર્ગત છે અને એ બંને ભાષા વિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ રીતે પરંપરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે.
જૈન શાસ્ત્રોએ મુનિઓને સર્વથા મૌન ધારણ કરવાને ઉપદેશ્ય નથી, સર્વથા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગનો ઉચ્છેદ થાય છે, અને બીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુર્ગુણો પોષાય છે, એ કારણે મુનિને જ્યારે જ્યારે બોલવાની જરૂર ઊભી થાય ત્યારે ત્યારે શાસ્ત્ર બતાવેલા નિયમાનુસાર તેને બોલવાનું હોય છે, અને એ રીતે શાસ્ત્રાનુસારી વચન-વિન્યાસમાં કુશળ બનેલો મુનિ ચિરકાલ સુધી બોલે તો પણ અન્યને ધર્મદાનાદિ કરવા વડે ગુણ કરનારો જ થાય છે.
વચનવિન્યાસમાં મુનિને કુશળ બનાવવા માટે જૈન શાસ્ત્રોમાં બોલવા લાયક ભાષાના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે, તેમાં બોલવા લાયક સઘળી ભાષાઓનો સમાવેશ થઇ જાય છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભવ છે. મિત્ર અને અનુભવી એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે, જેમકે અશોકવન, શ્રમણસંઘ, એ મિશ્ર ભાષાના પ્રયોગ છે.
તેને અશોકપ્રધાન વન, શ્રમણપ્રધાન સંઘ, એ અપેક્ષાથી બોલે તો સત્ય છે, અને અશોકનું જ વન, શ્રમણનો જ સંઘ, એ રીતે અવધારણ યુક્ત બોલે તો અસત્ય છે. અનુભવ ભાષા પણ વિપ્રતારણા કે અવિનીતતાદિ બુદ્ધિ પૂર્વક બોલે તો અસત્ય છે, અન્યથા સત્ય છે. શાસ્ત્રોમાં ઉપયોગ પૂર્વક બોલનારની ચારે ભાષા આરાધક માની છે, અને અનુપયોગ પૂર્વક બોલનારની ચારે ભાષા અનારાધક માનેલી છે. જૈન દ્રષ્ટિએ ભાષાનિમિત્તક શુભાશુભ સંકલ્પ એ જ આરાધકપણા કે વિરાધનપણાનું તત્ત્વ છે. તેથી શુભ સંકલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે, અને અશુભ સંકલ્પપૂર્વક