________________
ચૌદ વણસ્થાનક ભાગ-૩
૨૭૫
---
ઘણું સાંભળ પણ થોડું બોલ. વગેરે
કુદરતે પણ જીભ ઉપર અધિક સંયમ રાખવાની યોજના કરેલી છે. કાન અને આંખ બે બે છે અને જીભ એક જ છે, છતાં બે કાન અને બે આંખોને કામ એક જ સોંપાયેલું છે, જ્યારે એક જીભને કામ બે સોંપાયેલાં છે. એક બોલવાનું અને બીજું ખાવાનું -આ બેકામ કરનાર એક જીભ, અને એક જ કામ કરનાર બે કાન અને બે આંખની રચના જ જીભ ઉપર અધિક સંયમ રાખવા. માટે માણસને શિખવે છે. છતાં દુનિયામાં જોઇએ તો માણસ બે કાન વાટે જેટલું સાંભળે છે, અને બે આંખ વડે જેટલું જુએ છે, તેનાથી પણ અધિક બોલવાને ટેવાયેલો છે. ઇન્દ્રિય ઉપરનો એ અસંયમ મનુષ્ય જાતને વધારેમાં વધારે અપકાર કરનાર નિવડે છે. જ્યાં ત્યાં નિરર્થક કજિયાઓ અને હૃદયનો સંતાપ, અપ્રીતિની વૃદ્ધિ અને પ્રીતિનો વિનાશ, વૈર વૃદ્ધિ અને વિરોધના દાવાનળા વગેરે દેખાય છે એ મોટા ભાગે વાણીના દુરુપયોગનાં જ કટુ ફળો હોય છે. જો મનુષ્ય બોલવાનું ઓછું કરી નાખે, જેટલું સાંભળે અને જૂએ છે, તે બધું જ હૃદયમાં રાખતાં શીખે, જરૂર પડે ત્યારે પણ વિચારીને જ કોઇને પણ નુકશાન ન થાય તેની કાળજી પૂર્વક બોલે, તો ઘણી આપત્તિઓનો અંત આપોઆપ આવી જાય તેમ છે અને એ માટે જ ભાષાવિશુદ્ધિના શિક્ષણની ભારે અગત્ય છે. જેના શાસ્ત્રોમાં એ શિક્ષણ સંગીન રીતે આપવામાં આવ્યું છે. મુનિઓની વાગુપ્તિ તથા ભાષાસમિતિ એ શિક્ષણનું જ સુમધુર ફળ છે. એ શિક્ષણથી સુશિક્ષિત થયેલો મુનિ સતત ભાષણ કરે તો પણ કોઇને અપકાર કરનાર થતો નથી, અને એ શિક્ષણને નહિ પામેલો. આત્મા સતત મૌન ધારણ કરે તો પણ ફાયદો કરવાને બદલે નુક્સાન કરનારો થાય છે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટ પ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે,