________________
ચૌદ ગુણસ્થાનક માણ-3
·
આમ એ પાંચ મહાવ્રતોને અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રત, આત્માના હિતને (મોક્ષને) અર્થે સ્વીકાર કરીને હું (સંયમમાં) વિચરું છું.'
આ રીતે પાંચ મહાવ્રતોની અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતની જીવનપર્યંત પ્રતિજ્ઞા કરનાર એવા પ્રત્યેક મુનિમહાત્માએ હરહમ્મેશ વિચારવું જોઇએ કે- ‘મેં અસાર સંસારને છોડ્યો છે, વૈભવ-વિલાસને મૂક્યાં છે, કુટુમ્બ કબીલા આદિ તજ્યાં છે, અને પૂ. ગુરુ ભગવંતનું શરણું સ્વીકારી મોક્ષદાતા સંયમના પવિત્ર પંથે વિચરી રહ્યો છું. હવે રખેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ ન થાઉં. અતિચારથી દુષિત ન બનું, સંયમને લંક ન લગાડું અને શાસનની પ્રભાવના કરવા પૂર્વક સંયમની સુંદર આરાધના કરી, સકલ કર્મનો ક્ષય કરી, લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, પ્રાંતે મોક્ષના શાશ્વતા સુખનો ભાગી બનું.'
૧૮૭
આવી શુભ ભાવના સદા સંસાર ત્યાગી શ્રમણોને રહો અને અમને પણ રહો એ જ શુભેચ્છા. પાંચમું મહાવ્રત-અપરિગ્રહ :
હવે અપરિગ્રહ નામે પાંચમું મહાવ્રત છે. કોઇ પણ વસ્તુ, કોઇ પણ ક્ષેત્ર, કોઇ પણ કાલ અને કોઇ પણ ભાવ ઉપરની મૂર્છાનો ત્યાગ, એનું નામ પાંચમું ‘ અપરિગ્રહ' નામનું મહાવ્રત છે. દ્રવ્યાદિના ત્યાગ માત્રને જ ઉપકારી મહાપુરૂષોએ અપરિગ્રહ વ્રત નહિ જણાવતાં, મૂર્છાના ત્યાગને જે અપરિગ્રહ વ્રત રૂપે જણાવેલ છે, તે સહેતુક છે. વસ્તુ પોતાની પાસે ન હોય, એટલા માત્રથી એની મૂર્છા નથી જ એમ કહી શકાય નહિ. વસ્તુ ન હોય, પણ મૂર્છાનો પાર ન હોય એ શક્ય છે. એ મૂર્છા ચિત્તના વિપ્લવને પેદા કરે છે. પ્રશમસુખનો વિપર્યાસ, એ ચિત્તવિપ્લવ છે અને મૂર્છાથી ચિત્તવિપ્લવ