________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
———
૫- ત્રીજા મહાવ્રતની પાંચમી ભાવના- ‘અનુજ્ઞાપિત પાનાન્નાશન' -આ નામની છે. આ ભાવનાનો પરમાર્થ એ છે કે*સૂત્રોક્ત વિધિથી પ્રાસુક, એષણીય અને કલ્પનીય એવા મળેલા પાન અને અન્નને લાવ્યા બાદ, આલોચના પૂર્વક ગુરૂ સમક્ષ નિવેદન કરીને, ગુરૂની અનુજ્ઞા પામ્યા પછી જ માંડલીમાં અથવા તો એકલા એનું પાન અથવા ભોજન કરવું જોઇએ.' શુદ્ધ રીતિએ મળેલા અન્ન-પાનનો ઉપયોગ પણ ગુરૂની આજ્ઞા વિના કરવો, એ પ્રભુશાસનમાં ચોરી છે. કોઇ પણ જાતિનાં ધર્મોપકરણોનો પણ પરિભોગ ગુરૂની આજ્ઞા વિના કરવો, એય આ શાસનમાં ચોરી મનાય છે. આ કારણે- ‘કોઇ પણ વસ્તુનો ભોગ કે ઉપભોગ મારા જીવનમાં મારાથી ગુરૂની આજ્ઞા વિના ન થવો જોઇએ.' -આવી મનોદશા સાધુ માત્રે કેળવવી જોઇએ અને એ જ આ ભાવનાનું રહસ્ય છે. આવી સમર્પિત મનોદશા વિના સાધુપણું અને વિશેષતયા ત્રીજું મહાવ્રત, એ જીવનમાં શુદ્ધ રીતિએ જીવાવું એ શક્ય નથી. સ્વચ્છંદી આત્માઓ માટે આ ભાવના ભયંકર છે. રસલમ્પટો અને સુંદરતાના શોખીનો સમજે છે કે-રસલમ્પટતાના પોષણ માટેની અને સુંદરતાના શોખને ખીલવનારી આજ્ઞા મળવી એ શક્ય નથી, પણ લોકમાં જો સારી રીતિએ પૂજાવું હોય તો ગુરૂની પાસે રહેવું અતિશય જરૂરી છે. આથી તેઓ ગુરૂની સાથે તો રહે, પણ તેમનો લગભગ એવો નિશ્ચય જ હોય છે કે- ‘આપણી ઇચ્છામાં આડે આવે એવી ગુરૂની આજ્ઞા તરફ ધ્યાન જ આપવું નહિ.' આવી મનોદશાના સ્વામી સ્વદિઓ હોય છે. એવા સ્વચ્છન્દચારિઓ ગુરૂની આજ્ઞા માનવા માટેની જ પાડનારી આ ભાવનાની છાયામાં પણ રહેવાનું પસંદ ન કરે એ સ્વાભાવિક છે. એવાઓ માટે ગુરૂકુલવાસ હોવા છતાં, ન હોવા કરતાંય ભયંકર છે. એવાઓ ગુરૂકુલવાસમાં રહેવા છતાં પણ, ગુરૂની આશાતના જ કરનારા છે
૧૭૩