________________
૧૭૨
ચૌદ ગુણસ્થાનક મા।-3
૪- ત્રીજા મહાવ્રતની ચોથી ભાવના છે- ‘સાધર્મિકો પાસેથી અવગ્રહની યાચના' નામની. ધર્મને જેઓ આચરે છે, તેઓ ધાર્મિક કહેવાય છે. સમાન ધાર્મિકોને સાધર્મિક કહેવાય છે. એક શાસનને પામેલા સાધુઓ, એ પરસ્પર સાધર્મિકો છે. પ્રથમથી ક્ષેત્રને ગ્રહણ કરીને રહેલા સાધુઓ પાસે અવગ્રહ યાચવો જોઇએ અને તેમણે ગ્રહણ કરેલા અવગ્રહમાં તેઓની અનુજ્ઞાથી જ વસવું જોઇએ : અન્યથા, ચોરી લાગે. આ વસ્તુ પ્રથમ ભાવનામાં આવી જાય છે, છતાં આ વધુ મહત્ત્વની છે એ સમજાવવા આને ચોથી ભાવના તરીકે સ્થાન આપ્યું છે. ઘણા એવા છે કે- ‘સાધુને વળી પોતાનું કેવું ? માટે એમની પાસે માગવાની કશી જ જરૂર નથી.' -એમ કરીને બળવાન હોયતો અન્ય ગ્રહણ કરેલી વસતિમાં પોતે બેસી જાય છે : પણ એ ચોરી જ છે, એ વાતને એવાઓએ ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઇએ. આ ભાવનાથી અને આ ભાવનાના અમલથી સાધર્મિકોમાં તેવા કારણે પરસ્પર વૈમનસ્ય થવાનો પ્રસંગ કદી જ ઉભો થતો નથી અને ચોરીના દોષથી બચી જવાય છે.
આથી, ત્રીજા મહાવ્રતને સુવિશુદ્ધ રીતિએ પાળવા માટે, આ ભાવનાને પણ અવશ્ય આત્મસાત્ કરવી જોઇએ. આ ભાવના ત્રીજા મહાવ્રતને નિર્મલ રાખવા સાથે, સાધર્મિકોમાં પરસ્પર સુન્દર પ્રકારના સાધર્મિકભાવને પ્રગટાવી સુદ્રઢ બનાવે છે. આ વ્યવહાર ધર્મવૃદ્ધિનું પ્રબળ કારણ છે. જે ભાવનાથી ધર્મ વધે અને અધર્મ થતો અટકે, તે ભાવનાને ક્ષણ પણ અલગ કરે, એવો નિર્ભીક્ કોણ હોય ? ત્રીજા મહાવ્રતનો પ્રેમી તો એવી ભાવનાને આત્મા સાથે એકમેક જ કરી દે. ગુરૂની આજ્ઞા માનવાની જરૂર :