________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
——————
૧૫૩
સમજાવવામાં અસત્ય નથી લાગતું, પણ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધવો એ સ્પષ્ટતયા અપ્રીતિકર હોવાથી, એસ. કક્ષામાં ન રહેતાં અસત્યની જ કક્ષામાં જાય છે.
21. ગમે તે પણ કોઇને ય અપ્રીતિકર થાય એવું બોલવું, એ સત્ય હોવા છતાં પણ અસત્ય જ ને ?
આ સમજ બરાબર નથી. સ્વપર-ઉપકારના હેતુથી કલ્યાણમાર્ગનું વર્ણન થતું હોય અને અક્લ્યાણકર માર્ગોને સમજાવી તેનાથી બચવા-બચાવવા આદિનું કહેવાતું હોય, એથી જ જો કોઇને અપ્રીતિ થતી હોય, તો એટલા માત્રથી જ તે વર્ણન અસત્યની કોટિમાં આવતું નથી. અયોગ્યને અયોગ્ય તરીકે સંબોધવો એ સત્ય હોવા છતાં પણ અસત્ય છે, પણ અયોગ્ય કોને કોને કહેવાય એ વિગેરેનું સ્વપરહિતાર્થે વર્ણન કરવું, એ તો આવશ્યક વસ્તુ છે. કેવળ હિતકામનાથી વસ્તુને વસ્તુ રૂપે વર્ણવવામાં અસત્યનો દોષ કહેનારા પણ અજ્ઞાન છે અને ચોર આદિને તે તે તરીકે સંબોધનારા પણ અજ્ઞાન છે. ચોરને ચોરીથી બચાવવા માટે જે કહેવાય એ ય જૂદી વસ્તુ છે અને ચોરને ચોર-ચોર તરીકે સંબોધાય એય જૂદી વસ્તુ છે. આથી સ્પષ્ટ જ છે કે- સ્વપર કલ્યાણની બુદ્ધિથી સમજપૂર્વક જે બોલાય અને તેથી કદાચ અયોગ્ય આત્માઓને સ્વાર્થહાનિ આદિ કારણે અપ્રીતિ થાય, તોય તે અસત્ય નથી. મૂળ વાત એ જ છે કે-સત્યના અર્થિએ કાણા આદિને કાણા આદિ તરીકે સંબોધવા રૂપ જે અપ્રિય અને એ જ કારણે અસત્ય રૂપ જે વચન-તેનો ત્યાગ કરવો, એ પણ અતિશય જરૂરી છે. માત્ર તથ્ય વચન જ વ્રત રૂપ નથી, પણ તે પ્રિય જોઇએ ઃ એટલું જ નહિ, પણ તે પથ્ય પણ જોઇએ. પથ્ય એટલે ભવિષ્યમાં હિતકર. ભવિષ્યમાં અહિતકર એવું જે વચન હોય, તે કદાચ તથ્ય પણ હોય અને પ્રિય પણ હોય તોય પરમાર્થ દ્રષ્ટિએ સત્ય નથી, પણ અસત્ય જ છે