________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ : તે કર્મ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મ એમ આઠ ભેદવાળુ છે. તેના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ ઉત્તર ભેદો છે. ॥ ૩ ॥
૧૬
વિવેચન : આ ગ્રંથમાં કહેવાના વિષયરૂપ પ્રકૃતિબંધનું હવે વર્ણન કરવામાં આવે છે. દરેક સંસારી જીવ-યોગ વ્યાપારવાળો આત્મા પ્રત્યેક સમયે કર્મબંધ કરે છે. તે કર્મના મૂળ આઠ ભેદ છે અને મૂળ આઠ ભેદના ઉત્તરભેદો એકસો અઠ્ઠાવન છે. જેમાં આત્માને આયુષ્યકર્મ છેલ્લા ભવ વિના એક ભવમાં એકવાર બંધાય છે અને બાકીના સાત
કર્મ આ આત્માને નવમા ગુણઠાણા સુધી પ્રત્યેક સમયે બંધાય છે.
આત્મા અનંત ગુણવાળો છે. તેના મુખ્ય ૮ ગુણની અપેક્ષાએ તેને રોકનાર કર્મ પણ ૮ પ્રકારે છે. તે આઠ કર્મના નામ અનુક્રમે કેમ? તેની વિચારણા કરવી તે ઉપન્યાસક્રમ કહેવાય.
અહીં કર્મનો ઉપન્યાસક્રમ જણાવે છે. જ્ઞાનાવરણીયકર્મ પહેલું કેમ...? चेतना लक्षणो जीवः 1
ચેતના લક્ષણવાળો જીવ કહેવાય છે. જીવ જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો છે. જ્ઞાન-દર્શનના ઉપયોગ વિનાનાને અજીવ કહેવાય. એટલે ચેતના એ જીવનું લક્ષણ છે. તે દરેક જીવમાં ઓછા વધતા અંશે હોય જ. ચેતના એટલે જ્ઞાન અને દર્શન. તેમાં જ્ઞાન મુખ્ય છે કારણ કે૧. લબ્ધિની પ્રાપ્તિ વખતે જ્ઞાનોપયોગ હોય.
૨. કેવલીને પ્રથમ જ્ઞાનોપયોગ હોય અને પછી દર્શનોપયોગ હોય.
૩. મોક્ષ પ્રાપ્તિ વખતે પણ જ્ઞાનોપયોગ હોય તેથી જ્ઞાનની મુખ્યતા હોવાથી સર્વગુણોમાં જ્ઞાન મુખ્ય છે. તેથી જ્ઞાનને આવનાર કર્મ મુખ્ય માટે જ્ઞાનાવરણીય કર્મ પણ પહેલું.