________________
આઠ કર્મનો ઉપન્યાસ ક્રમ
૧૭ જોકે છદ્મસ્થ જીવને પ્રથમ દર્શનોપયોગ હોય છે. પછી જ્ઞાનોપયોગ હોય, પરંતુ કોઈપણ લબ્ધિની પ્રાપ્તિ સમયે, કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે, મોક્ષપ્રાપ્તિ સમયે જીવને પ્રથમ જ્ઞાનોપયોગ-વિશેષપયોગ-સાકારોપયોગ હોવાથી સર્વગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે. માટે તેનું આવરણ કરનારું કર્મ પણ પ્રથમ મુક્યું. માટે પહેલું “જ્ઞાનાવરણીય કર્મ છે.
કેવળી ભગવંતને બીજે સમયે દર્શનોપયોગ-સામાજોપયોગઅનાકારોપયોગ હોય તેથી જ્ઞાનગુણ પછી બીજો દર્શનગુણ છે. માટે તે ગુણને આવરણ કરનારું કર્મ પણ બીજું કહ્યું. તેથી બીજું “દર્શનાવરણીય કર્મ છે.
આ બંને જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ વિપાક દેખાડતાં બંને કર્મના ક્ષયોપશમ વખતે જીવને સુખ થાય અને બંને કર્મના આવરણના ઉદય વખતે જીવને દુઃખ થાય. આમ, તે બંને કર્મથી જીવને સુખ-દુઃખનો વિપાક અનુભવાય છે. માટે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પછી ત્રીજું વેદનીય કર્મ કહ્યું.
સુખના અનુભવમાં જીવને શાતા પ્રાપ્ત થવાથી સુખના સાધનરૂપ પુદ્ગલ-પદાર્થો પ્રત્યે રાગ થાય અને દુઃખના અનુભવમાં જીવને અશાતા પ્રાપ્ત થવાથી પુદ્ગલ-પદાર્થો પ્રત્યે દ્વેષ થાય. આ રીતે સુખ-દુઃખના અનુભવથી જીવને રાગ-દ્વેષ થાય તથા રાગ અને દ્વેષ એ મોહ છે તેથી “મોહનીય કર્મ ચોથું કહ્યું.
મોહનીય વડે મુંઝાતો જીવ રાગ-દ્વેષને વશ થઈને બહુ આરંભાદિક પ્રવૃત્તિઓ કરે, તે દ્વારા નરક તિર્યંચાદિનું અને મોહનીયના ક્ષયોપશમથી દેવાદિનું આયુષ્ય બાંધે તેથી મોહનીય પછી “આયુષ્ય કર્મ પાંચમું કહ્યું.
આ આયુષ્યકર્મ જીવને ભવાંતરમાં જતા ઉદયમાં આવે. યદ્યપિ કર્મ તો બધા ઉદયમાં આવે જ, પણ શેષ ૭ કર્મ તે ભવ-ભવાંતર કે ઘણાં ભવે પણ ઉદયમાં આવે પણ આયુઃ જે ભવમાં બાંધ્યું હોય તે ભવમાં આવે જ નહીં. ભવાંતરમાં-બીજા ભવમાં ઉદયે આવે એ વિશેષ છે.