________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વિવેચન : હવે આઠમા અંતરાયકર્મના આશ્રવ આ ગાથામાં કહ્યા છે તે આ પ્રમાણે –
૧૮૨
અંતરાયકર્મના આશ્રવ :
(૧) જિનેશ્વર પરમાત્માની પૂજામાં અંતરાય કરનાર-એટલે ગૃહસ્થો જિનેશ્વર પરમાત્માને સચિત પાણી વડે અભિષેક કરે, સચિત ફુલો ચૂંટી-હિંસા કરી લાવી ચડાવે તેમજ ફળાદિ સચિત ચડાવે તે પણ હિંસાનું કારણ બને. આ રીતે કહી જિનેશ્વર ભગવાનની પૂજાનો નિષેધ કરવાથી અંતરાય કર્મ બાંધે.
પરંતુ ગૃહસ્થ તો ચોવીશ કલાક હિંસાની પ્રવૃત્તિ કરનાર હોઈ જેટલો સમય પરમાત્માની પૂજા, સાધર્મિક ભક્તિ આદિ ક૨શે તેટલો સમય આ પ્રવૃત્તિમાં શુભ અને શુદ્ધ પરિણામ પણ આવે તેથી શુભકર્મબંધનું અને કર્મ નિર્જરાનું કારણ બને.
કારણ કે પૂજા આદિમાં પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થ એટલો સમય સાંસારિક પ્રવૃત્તિ નહીં કરે તેથી અશુભ કર્મબંધ ન થાય. જીવની દુર્ગતી ન થાય અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થાય.
શાસ્ત્રોમાં દ્રૌપદી આદિએ જિનપૂજા કરી વિગેરે પૂજા કરવાના પાઠ પણ છે, તેથી જિનપૂજાનો નિષેધ કરવો તે અંતરાય કર્મનું કારણ બને. (૨) હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહાદિની પ્રવૃત્તિમાં તત્પર, પરાયણપણું પણ અંતરાય કર્મના બંધનું કારણ છે.
આ બાહ્ય આશ્રવના હેતુઓ અત્યંતર આશ્રવનું કારણ બને એટલે અશુભ પરિણામનું કારણ બને તેથી આ બાહ્ય હેતુઓ પરંપરાએ કર્મબંધનું કારણ બને છે. માટે તે કર્મબંધનું કારણ કહેલ છે.
કર્મવિપાક કર્મગ્રંથનું વર્ણન-વિવેચન લખવામાં મતિની દુર્બલતાના કારણે અથવા અજાણતાં કંઈ પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિથ્યાદુષ્કૃત સાથે વાચકવર્ગને અમારું ધ્યાન દોરવા વિનંતિ છે.