________________
૧૬૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ : જ્ઞાન અને દર્શન પ્રત્યે પ્રત્યનીકપણું અનિષ્ટ આચરણ કરવાથી, છુપાવવાથી, ઘાત કરવાથી, અત્યંત દ્વેષ કરવાથી, વિઘ્ન નાંખવાથી, અત્યંત આશાતના કરવાથી જીવ બંને પ્રકારના આવરણ કર્મ (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય) બાંધે છે. તે પ૪ ||
વિવેચન : હવે આઠેય કર્મબંધના હેતુઓ જણાવે છે. જીવ અનાદિકાળથી પ્રતિ સમયે ૭ કર્મ અને આયુષ્ય બાંધે ત્યારે આઠ કર્મ સતત બાંધે છે. આ કર્મબંધમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, રૂપ, ભાવ (અત્યંતર) હેતુઓ કારણભૂત છે. પરંતુ બાહ્ય (વિશેષ હેતુઓ) તે અત્યંતર હેતુઓના વિશેષ કારણરૂપ બનવાથી આઠેય કર્મના સ્થિતિબંધ અને રસબંધને બાંધવામાં મુખ્ય કારણ બને છે. અને એના જ કારણે કર્મોના ફળની તરતમતા જગતમાં દેખાય છે. એટલે આ વિશેષ હેતુઓ કર્મની દીર્ઘસ્થિતિઓ અને તીવ્ર રસ બાંધવામાં કારણ હોવાથી વિશેષ હેતુઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે તેથી ગ્રંથની શરૂઆતમાં સામાન્ય હેતુઓ જણાવ્યા અને ગ્રંથના અંતમાં વિશેષ હેતુઓ કહે છે.
અહીં જે-જે કર્મના આશ્રવના બાહ્ય હેતુઓ આપ્યા છે તેમાં આ પ્રમાણે વિચારવું.
જો કે પ્રતિક્ષણે ૭ કર્મ બંધાય છે. તો પણ જ્ઞાનના પ્રત્યેનીક (જ્ઞાન પ્રત્યે અનિષ્ઠ આચરણ) વિગેરે આશ્રવના પરિણામવાળો જીવ હોય ત્યારે જ્ઞાનાવરણીયની પ્રકૃતિઓનો રસ (અનુભાગ) વિશેષ બંધાય. બીજા કર્મનો તેની અપેક્ષાએ થોડો ઓછો બંધાય.
એ રીતે દર્શનમોહનીયનો આશ્રવ હોય ત્યારે મિથ્યાત્વ મોહનીયનો રસ વધારે બંધાય અને તેની અપેક્ષાએ બીજા કર્મોનો રસ ઓછો બંધાય.
આ રીતે આઠ કે સાત કર્મ સાથે બંધાવા છતાં જે આશ્રવો કહ્યા તે તે કર્મને વિશેષ રસબંધના કારણરૂપ જાણવા.